kshitij


બે હજાર વર્ષ પહેલાં જીસસ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. એક જગ્યાએ લોકોનું ટોળું, આક્રમક તેવર સાથે ઊભુ હતું. શોર-બકોર કાનને ત્રાસ આપે એટલો ઊંચો હતો. જીસસ ટોળાને વીંધીને, ટોળું કેમ ભેગું થયુ છે એ જોવા માટે ગયા. એમણે જોયું. એક નિઃસહાય સ્ત્રી રડતી-કકડતી, ભયથી ફફડતી જમીન પર ફસડાઇ પડી હતી. ટોળાના હાથમાં પત્થર હતા. જીસસે પૂછયું, “શું ગુનો કર્યો છે આ સ્ત્રીએ ?”
ટોળાનો ઘોંઘાટ અવાજ બની જીસસની સામે આવ્યોઃ “વ્યભિચાર કર્યો છે આ સ્ત્રીએ!”
જીસસે એક ક્ષણ એ રડતી, કકડતી, ભયથી ફફડતી સ્ત્રી સામે જોયું. પછી ઉશ્કેરાયેલા ટોળાની સામે. એમની આંખમાં એ નિઃસહાય સ્ત્રી માટે કરૂણા છલકાતી હતી. એમણે ટોળાને કહ્યું, “તમારી વાત સાચી છે! આ સ્ત્રીએ વ્યભિચાર કર્યો હોય તો એને જીવવાનો હક્ક નથી! એને પત્થર મારી મારી નાંખવી જ જોઇએ! પણ…. પહેલો પત્થર એ મારે —જેણે જીવનમાં પાપ ન કર્યુ હોય!”
જીસસના શબ્દો વાતાવરણમાં ફેલાયા. શબ્દોની અસર  કહો કે અણીયાળી હકીકત… શોર-બકોર કરતું ટોળું શાંત થઇ ગયુ! લાંબા સમયથી ભેગું થતુ જતું ટોળું એક જ મીનીટમાં હાથમાં રહેલા પત્થર ફેંકી વિદાય થયું! એવો એક પણ જણ ન હતો જેણે એના પૂરા જીવનમાં એક પણ વાર પાપ ન કર્યુ હોય!
બે હજાર વર્ષ પહેલાં ઘટી ગયેલ ઘટના ર૧ મી સદીમાં પણ નવા પરિધાન સજી ઘટતી રહે છે! જીસસ આવતા નથી અને આવીને પૂછતા નથીઃ પહેલો પત્થર એ મારે જેણે જીવનમાં એક પણ વાર પાપ ન કર્યુ હોય! —એટલે ટોળાના હાથમાં રહેલા પત્થર હથિયાર બની, ન્યાયાધિશ બની પોતાનો ફેંસલો સંભળાવી દે છે! દોષિત માની લીધેલ વ્યકિતની શારિરીક હાલત શું થાય એ કલ્પનાનો વિષય બનીને રહી જાય છે!
ગુજરાતી ન્‍યુઝ પેપર દિવ્ય ભાસ્‍કર તા.રર.પ.ર૦૧ર પૃ.૭ પર પ્રિન્ટ થયેલા સમાચાર પર નજર પડીઃ “યુવતી સાથે સ્‍વામી બંધ રૂમમાંથી મળતા હંગામો! ”
નજર પડતાં બે હજાર વર્ષ પહેલા ઘટી ગયેલ ઉકત ઘટના યાદ આવી ગઇ!  સમાજ હજુ એ જ જુની થઇ ગયેલ કેડી પર જ ચાલતો આવે છે! નવા રસ્તા બનાવવાની ન તો એને ફુરસદ છે ન તો સમજ!
સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ આદરણીય, વંદનીય બની જાય છે —સાધુ પદ ગ્રહણ કરતાં જ! પછી ભૂલ કરવાની કયાંય જગ્યા રહેતી નથી એવી સામાજીક જડબેસલાક વ્યવસ્‍થા વચ્ચે કુદરતી આવેગોને ઠારવાના હોય છે! સ્ત્રીની નજીક જવાનું તો દૂરની વાત થઇ એનો પડછાયો પણ કુદરતી આવેગોને હવા આપવાનું કામ કરે એવું માની લેવામાં આવતું હોય ત્યાં રાજકોટના મવડી ગુરૂકુળમાં સ્‍વામીજીની રૂમમાં મહિલા શિક્ષક જાય એ ઘટનાને સ્‍વીકારી, સહન કરવું  સમાજ માટે શકય ન જ હોય! —જયારે સામાજીક ધારણાઓ અપેક્ષાઓથી ઊંચી હોય! સારી પેટે સ્‍વામીજીની ધોલાઇ કરવામાં આવી! સમયસર ઘટના સ્‍થળે પહોંચી ગયેલી પોલીસે સ્‍વામીજીને હેમખેમ બહાર કાઢયા. નહીં તો શાયદ સ્‍વામીજી અને શિક્ષિકાની શારીરિક હાલત મારને લીધે બેહાલ થઇ ગઇ હોત!
સ્‍વામીજીની ધોલાઇ કરનાર ટોળાએ જીવનમાં કયારેય, કયાંય પણ પાપ નહીં કર્યુ હોય ? પોતાની ભીતર જોવાની વૃત્તિ, બહારની પ્રવૃત્તિઓના હિસાબે ઢંકાતી જાય છે! પોતાની ભીતર પડેલો પડદો ઊઠાવીને શાયદ એક વાર જોવાઇ તો ખ્યાલ આવેઃ ગંદકી અહીં પણ એ જ છે! એ ગંદકી નજરમાં ન આવે એટલે કહેવત પણ ચાલાક સમાજે ઘડી કાઢી છેઃ પુરૂષ તાંબાનો લોટો! માંજ્યો એટલો ઉજળો! પુરૂષ નામનો લોટો કોણ જાણે જીવનમાં કેટલી વાર મંજાતો હશે!
પુરૂષ સાધુતા ધારણ કરે એટલે એ તાંબાનો લોટો આપોઆપ મટી જાય! ભલા પછી એ ભૂલ કર્યા પછી ઉજળો થાય કેમનો ? —સમાજની આ ધારણા કંઇક કેટલાય જીવનને ભોંય ભેગા કરી દે છે! ગુમનામીમાં બાકીના આયખા સાથે સબડતાં આ ધબકતા જીવોને, કોણ બહાર કાઢી પોતાના શ્વાસ સાથે પરિચય કરાવશે ?


મૌન હંમેશા અકળાવનારી સ્થિતિ પેદા કરનાર પરિબળનું નામ છે! તારૂં મૌન ખુ્લ્લા ઘા પર પ્રસરી જતાં નમકીન પરસેવા જેવું વેધક, જ્વલનશીલ છે! જે પળે પળે મને બાળવાનું કામ કરે છે! સમજાતું નથી આ તારૂં ગહેરૂં મૌન! શા માટે કશુ જ તારી ભીતરથી બહાર આવતું નથી! ભીતરની લાગણીઓને વાચા આપવાની હોય! એને વંધ્ય કરવાની ન હોય! —એટલુંય તુ ન સમજે એટલી અબુધ નથી!
તારી આંખોમાં હું શોધું છું—જન્માન્તર પછી જન્મતું અતૂટ સ્નેહ-બંધન! તારી ઉન્નત છાતીની ભીતર છીપમાં પડેલ મોતીની જેમ ગોપનીય રહેલ લાગણીના મોતીને, મૌનના છીપમાંથી બહાર આવવા દે! એને રોક નહીં! સહજ, કુદરતી પ્રવાહ રોકાઇ જતાં બની જાય બંધિયાર વિકૃતિ! લાગણી વિકૃતિ નહીં બેનમૂન કૃતિ બની જાય એ ઇચ્‍છનીય ન કહેવાય ? બધુ જ સમજવા છતાં સતત મૌન રહેતો તારો ચહેરો! એ ચહેરા પર હું જોવા ઇચ્છું છું—પ્રતિબિંબત થતી લાગણીનું બિંબ!  એ માટે હજુ કેટલી રાહ જોવી પડશે ? ન જાણે કેટલા જન્મ પછી સામ-સામે આવી ગયા છીએ આપણે! ફરી નવા જન્મની રાહ જોવાની છે ? —એ માટે પણ તૈયાર છું જ!
પ્‍યાર હર રૂપમાં, હર એક રંગમાં ઢળી જતી અંદરૂની ઉર્જાનું નામ છે! અને ઉર્જા કયારેય ક્ષીણ થતી નથી! બસ, ફક્ત એ રૂપ બદલે છે! ઢાંચો બદલે છે! ફરી નવા શારીરિક ઢાંચા સાથે તારી સામે આવવું પડશે ? —તને મેળવવા ? નિરૂત્તર રહેવાની તારી ખાસીયત યકીનન કાબિલે-દાદ હોવા છતાં, કયારેક તો ઉત્તર બનીને આવીશ એવી શ્રધ્ધા, પૂરી નિષ્‍ઠા સાથે મારી ભીતર ખબર નહીં કેમ શ્વસયા કરે છે!
જીવન છે એટલે મૃત્યુ હોય જ! એ મારા દરવાજે દસ્તક બનીને આવી જાય એ પહેલા તારા મૌનને ઉઘડવા દે! બોલવા દે! નહીં તો આખરી ક્ષણે ક્ષીણ થતા જતા મારા દિલી ધબકારને ધક્કો લાગશે! દિલી ધબકારને ધક્કો લાગે એ પહેલાં ધડકન બનીને આવી ન જાય તું ?


છ વર્ષના લાંબા અંતરાલ પછી તું સામે આવીને ઊભી રહી જાય ત્યારે ઓળખાણ તો કોશો દૂર રહી ગઇ હોય એટલે હું ફકત વિરક્ત બની રહું! અજનબીનેય સહજતાથી મળી શકાય! તને એટલી સહજતાથી મળી શકાતુ નથી! કશીક ઘૂટન છે ભીતર, જે તારી નજદીક મને આવવા દેતી નથી! છ વર્ષ પહેલાં તું નારાજ થઇને ગઇ! ગઇ તો ગઇ, ગયા પછી મને હલકો ચીતરવાની એક પણ તક તેં ન છોડી! પ્‍યાર અને પાપ વચ્ચેનો બારીક તફાવત તારી નજરમાં કેમ નહીં આવ્યો હોય એવું ત્યારે અને અત્યારે પણ પૂછી શકતો નથી!  મારી શ્રધ્ધાનું કેન્દ્ર બની ગઇ હતી તું! તારી આસપાસ મંડરાતી રહેતી મારી છમલીલી લાગણીની વ્યકત થવા માંગતી લિખાવટની ભીનાશને તેં એક જ ઝાટકે ભૂંસી નાંખી! પાછું વળીને જોવાની પણ દરકાર આટલા વર્ષોમાં તેં ન કરી! તને નફરત થઇ જાય એવું કયુ નફ્ફટ વર્તન કર્યુ હતુ મેં ? —કે તું ખફા થઇ મારી ખિલાફ થઇ ગઇ ? જવાબ તો કયારેય મળ્યા નથી તારા તરફથી! ત્યારે પણ મૌન હતી! અત્યારે પણ ખામોશ છે!
ખામોશી મોતથી બદતર હોય છે! એને ઝેલવી પડે છે! અને પળે-પળે મરવું પડે છે! તારા ચહેરા પર વ્યકત થતાં ભાવોમાં તારી ભીતર શ્વસતી સ્ત્રી કેમ રણની રેતીની જેમ શુષ્‍ક રહે છે એ સમજાતું નથી! જે ન સમજાય એ છોડી દેવાનું! એવું પહેલા ધોરણથી જ શીખાડવામાં આવ્યું હતુ! તને છોડી શકતો નથી! કારણ એટલું જ કે અભ્યાસ શાયદ જિંદગીને ઘડવાનું કામ કરતો હશે! પણ, તું તો મારા જીવનમાં શ્વાસ ભરવાનું કામ કરે છે!
લાંબી મુસાફરી ફરી-ફરીને કરવાની તારા લીધે તો ગમે છે મને! થકવી નાંખતી દડમઝલ પછી તારા ચહેરા પર છવાયેલ શૂન્‍યતાની પાછળથી ડોકીયું કરતી મનભાવન સ્ત્રીનો રમ્ય ચહેરો મને હળવોફુલ બનાવી દે છે!
જીવન નામના દરિયામાં તરી-તરીને થાકી ગયો છું! નજર પહોંચે ત્યાં સુધી બસ સંઘર્ષ જ સંઘર્ષ!  કયાંય સુખનો અહેસાસ થાય એવો પ્રવાહ નજરે આવતો નથી! એક વાત કહેવી છે મારે તનેઃ સાંજ ઢળી રહી છે! થોડા સમય પછી નજરમાં કશું જ નહીં આવે! સંપૂર્ણ અંધકાર છવાઇ એ પહેલા તું મારો કિનારો બનીશ ?


પતિ-પત્નીનો સબંધ શ્વાસના લય જેવો લચીલો હોવો જોઇએ—એવી ધારણા હકીકત બનશે એવું બધા જ ધારી લેતા હોય છે! ટકાવારીમાં નગણ્‍ય ગણાય એટલા લોકોની ધારણા જ હકીકત બને છે! બાકીના જીવનના અંતિમ છોર સુધી છટપટતા રહે છે! સમાજમાં મળતું માન, મોભો, પ્રતિષ્‍ઠા પતિ-પત્‍નીના રિશ્તાને બચાવી લેવાનું કામ કરી લે છે! રિશ્તો તો બચી જાય છે! પણ, એ રિશ્તાની દોર સાથે બંધાયેલા બે જણ જીવનભર પોતાના શ્વાસને રાહત બક્ષ્‍વા  ઝઝુમ્‍યા કરે છે! અને એમાંની નીપજે છેઃ કંકાસ! કલહ! ન જીરવાય એવો અમાનુષી કોલાહલ! —જે શાસ્ત્રોમાં કરવામાં આવેલી નર્કની કલ્પના કરતા ભયાવહ હોય છે! જીવતે જીવ નર્ક કરતાંય બદતર હાલતમાંથી પસાર થતાં, શરીરમાં શ્વાસ ભરતા ઇન્શાનોની ભીતરી પીડા ચમકીલા સમાજના તખ્‍તા પર સીસકતી રહે છે! કિનારા વિનાની અસીમ સફર! થાકી જવાની, ભાગી જવાની છુટ સમાજ મૂકે એટલો સમજદાર નથી! કેળવણીથી માણસ કેળવાય એ પુસ્તિકયા શબ્દો જીવનમાં પ્રવેશી શકતા નથી! કેળવણી માણસને કળાકાર બનાવવાનું કામ બખૂબી કર્યે રાખે છેઃ ભીતરી પીડા પર ખુશીના મલમપટ્ટા!
ચોરીના ફેરામાં જન્‍મોજન્‍મ સાથે રહેવાનું વચન!  કે ચર્ચમાં લેવડાવાતા સોંગદઃ સુખમાં કે દુઃખમાં, પડતીમાં કે ઉન્નતીમાં, અંધકારમાં કે પ્રકાશમાં કે પછી બિમારીમાં એકબીજાની સાર સંભાળ લેશો ? જવાબ “હા” સિવાય શું હોઇ શકે! આ “હા” પછી જીવનભરની “જી..હા” બનીને શા માટે રહી જાય છે એ કોઇનેય સમજાતું નથી!
જન્‍મોજન્‍મ સાથે રહેવાનું વચન કે ચર્ચમાં સમાજની સામે અપાયેલું વચન!—બધુ જ, નવા ખરીદેલા વસ્ત્ર જેવું થોડા સમય સુધી નજરમાં રહે છે! પછી એ જ મૂંઝવણઃ ધારણ કરવું તો શું ધારણ કરવું ? આવરણો પછળ ઢંકાયેલો માણસ અનાવરણ થવાની પહેલ કરે તો ગાંડામાં ખપી જાય એવી જડબેસલાક વ્‍યવસ્‍થા સમાજે કરી રાખી છે! એટલે એ નાગો થઇ શકતો નથી! સંસ્‍કાર નામની કયારેય કયાંય પણ કશું જ ટીંગાડવા કામ ન આવેલી ખીંટીથી છુટકારો મેળવી શકાશે નહીં!—એ બહુ જ જલ્‍દી સમજાય જાય છે!
-આ સંસ્‍કાર નામની સામાજીક મહોર લાગેલી ખીંટી કોણ જાણે કેટલી જિંદગીઓને અધ્ધર શ્વાસે ટીંગાતી રાખશે!


જિંદગીના મહત્વના, મહત્તમ નિર્ણયો—લોકો શું કહેશે ? એને ધ્યાનમાં રાખીને લેવાતા હોય છે! જયાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોય એ સમાજ, માનસિક રીતે સ્વસ્થ હોઇ શકે ખરો ? સ્વભાવિક છેઃ લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોય એ સબંધ વધુ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી ન શકે! લાંબા ગાળે ઋગ્ણ બની જતાં સબંધ પાછળ મંડરાતો લોકોનો ડર કોઇનેય દેખાતો નથી!
રિશ્તો, કોઇ પણ રિશ્તો બે ઇન્સાનો વચ્ચે રચાઇ છે એની પાછળ બળકટ લાગણીનો, બંનેને જોડી રાખતો એક સરખો ઇચ્છાનો પ્રવાહ  હોય છે. જોડાયેલ રિશ્તો જયાં સુધી પડદા પાછળ હોય છે ત્યાં સુધી કશો જ વાંધો, આંચ આવતી નથી! જેવો રિશ્તો સમાજની સામે ઉજાગર થયો કે વિના વિલંબ લોકોનો ડર બહુ આસાનીથી જોડાઇ જાય છેઃ યાર! લોકો શું કહેશે ?
વિજાતીય રિશ્તામાં સૌથી વધુ અડચણ —આ માની લીધેલા ડરના કારણે હંમેશા આડશ બનતી રહે છે! અલગ ધર્મ, જાતિ, સંસ્કાર, રહેણી-કરણી ન જાણે કેટલા કારણો સવાલ બની જવાબ માંગવા આવી જાય છે! જયાં સુધી પ્રેમ હતો, ફક્ત પ્રેમ —ત્યાં સુધી આવા કોઇ જ કારણ કયારેય રસ્તો રોકીને ઊભા ન હતા! જેવો એ પ્રેમને સામાજિક દરજજો આપવા માટે હિંમત કરી કે… બસ, સમાજમાં વહેતી વાતોને ગંભીરતાથી લેવાનું શરૂ થઇ ગયુ! સમાજ પાછળ પડી ગયો છે! —જેવા પોતે જ ઊભા કરેલા ખોફમાં જિંદગીને આસાનીથી હોમી દેવાની પહેલ કરવાની બેવફુકી કરી દેવાની! રોજ-બ-રોજ અખબારોના પૃષ્‍ટ પર ફેલાતાં આપઘાતના સમાચારો દિમાગને સૂન્ન કરી મૂકે છે! થોડીક હિંમત, સમાજના બેવજૂદ ખોફને બાજુ પર મૂકી વિચારાય તો શાયદ અકાળે જ કરમાઇ જતી જિંદગીઓ બચી જાય! બેટી બચાવો અભિયાનમાં પ્રેમીઓને બચાવો.. જોડી દેવું પડશે! આખરે એમાં પણ “બેટી” તો મરતી જ હોય છે ને! અને એ પણ જુવાનજોધ! છતાંય કોઇનું રૂવાડું શા માટે ફરકતું નથી ? —એવો સવાલ કરવાનો અહીં રિવાજ નથી! સવાલ કર્યો તો બીજા ગ્રહ પરથી આવી ચઢેલા એલીયન્‍સ હોય એવી રીતે તમારી સામે જોવાઇ એવું ચોક્કસ બને! ગાય બચાવવા માટે ઝઝૂમતો સમાજ બેટી બચાવવા માટે ઊંબરાની બહાર પગ પણ મૂકતો નથી! એ આપણી કરૂણતા છે કે લાચારી ? કે પછી ભીતરથી આપણે  લાગણી શૂન્‍ય બનતા જઇએ છીએ ? એક લાંબી કતાર લાગી જાય એટલા સવાલો..
સમાજ નિંદાકીય ગોકીરો મચાવતો કોલાહલ શા માટે બનતો જાય છે ? એ કેમ સરાહનીય કામગીરીનો કારીગરી નમૂનો બનતો નથી ? એ માટે આપણી ભીતર શ્વસતી જન્મજાત ન્યાય કરવાની બિમારી તો કારણભૂત નથી ને ? એવું હોય તો… અને શાયદ એવું જ છેઃ કોઇ પણ વાત પર ફેંસલો સંભળાવવા આપણે હંમેશા તત્‍પર હોતા નથી ? —જેમાં આપણને સ્‍નાન-શૂતકનોય સબંધ ન હોય ? સ્નાન-શૂતકનો સબંધ ન હોય એવા ખાલી રહી ગયેલ કારણોની જગ્યામાં પોતાનો જવાબ ભરવાની તાલાવેલીને તાળું મારવાની જરૂર છે.
તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત સબંધની બૂનિયાદ પર ઊભો હોય છે. સબંધને સ્‍વીકારી, તંદુરસ્‍તી બક્ષવાની શરૂઆત, બંધાતા સબંધને મજબૂત બનાવવાનું કામ કરશે! પછી ચાહતનો પર્યાય બની ગયેલા પ્રેમીઓને આત્મહત્યા કરવી નહીં પડે! જુવાનજોધ બેટીઓને બચાવી શકાય એના જેવું પૂણ્યનું કામ બીજુ કયુ હોઇ શકે ? —તમારી નજરમાં છે ?

સત્યમેવ જયતે!

Posted by: kshitij7 on: 06/05/2012


સ્ટાર પ્‍લસ પર આજથી શરૂ થયેલ આમીરખાન પ્રસ્‍તુત શૉ “સત્યમેવ જયતે” —પ્રથમ એપીસોડમાં જ ખરો ઉતર્યો છે. આમીરખાન સલગ્ન હોય એવી કોઇ પણ બાબતને લઇને લોકોમાં ઉત્‍સાહ, ઉમ્‍મીદ સ્‍વભાવિક પણે વણાઇ જાય છે! એટલે સત્યમેવ જયતેનો અગિયાર વાગ્યે શરૂ થયેલ શૉ સાડા બારે પત્યો ત્યાં સુધી, વિષયની પસંદગીને લીધે એલ.સી.ડી.ની સામે બેસી રહેવું ગમ્યું!
ભ્રૂણ હત્યા!
દેશ આખાને બાનમાં લઇને ફરતો અદ્દશ્ય ખોફ એટલે ભ્રૂણ હત્યા! કૂખમાં રહેલી બાળકીને રહેંસી નાંખવા માટે કલેજું કયા પર્દાથમાંથી બનેલું હોવું જોઇએ ? એ પ્રશ્ન કોઇ પણ પરીક્ષામાં પૂછી શકાય એટલો વેધક અને અર્થનીય છે. અમદાવાદની નારીનો સાસરિયા દ્રારા છ છ વખત, એ નારીને બેહોશ કરી કરાવવામાં આવતો ગર્ભપાત!  એ નારીના ચહેરા પર અંકાતી પીડાઓની લકીરોમાં છ છ બાળકીઓના મૃત્‍યુનો આખરી ચિત્કાર!  આંખમાંથી અવિરત વહેતા આંસુ અને જબાન પરથી સરતા શબ્‍દોઃ મને હોસ્પિટલમાં લઇ જવામાં આવતી! એક ઇન્જેકશન અને પછી ગાઢ બેહોશી! હોશમાં આવુ ત્યારે પેટ ખાલીખમ! હું સમજી જાઉં— મારી દીકરી ગુમાવી ચૂકી છું…..!
બીજા કિસ્સામાં વારંવાર દીકરી જ પેદા કરતી નારીનો ચહેરો એનો પતિ જ, જંગલી જાનવરની જેમ ચાવી જાય એ ઘૃણાસ્પદ અને માનવી હોવા પ્રતિ ખુદ આપણને લજ્જા આવે એવી ખોફનાક ઘટના!
ત્રીજા કિસ્સામાં પતિ-પત્‍ની ડૉકટર હોવા છતાં દિકરાની જ અભરખા! જોડીયા દીકરીને પેટમાં મારી નાંખવાની વાત ડૉકટર પત્‍નીથી કેવી રીતે સહન થાય ? બે નહીં તો કમ-સે-કમ એકનો તો નિકાલ કરી જ નાંખીએ! —એવી ડૉકટર પતિની વાત સામે જંગે ચઢીને દીકરીઓને જન્‍મ આપતી નારીની કયારેય સમાપ્‍ત ન થાય એવી વ્યથા!
ભ્રણ હત્યાનું જધન્ય કૃત્ય “આમ” વર્ગમાં નહીં “ખાસ” વર્ગમાં જોવામાં આવ્‍યું છે! અને એ આઘાત જનક છે. ભણેલા-ગણેલા પૈસાદાર લોકોમાં ફેલાયેલો આ મનોરોગ દીકરીઓને સૂરજનું પહેલું કિરણ જોવા દેતો નથી! આ માટે જવાબદાર સામાજિક ઘરેડ પર રૅડ પાડવા જેવી છેઃ દીકરાઓ પેદા કરવાનો ઝનૂની  વિચાર વાયરસનો વાયરો ફેલાવતા શખ્‍સોને પકડી-પકડીને,  થઇ શકે એટલી કડક સજાનો અમલ કરવો જોઇએ! જો સજાની જોગવાઇનો સખ્‍તાઇ અમલ થાય તો ઠેર-ઠેર બેટી બચાવો ના હેડીંગ્સ લગાડવા ન પડે! “બેટી બચાવો” આંદોલન ગુજરાતના મુખ્‍ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચ્યુ છે! પણ એની અસર,  “દીકરો જ જોઇએ છે”— એવા ફેલાઇ ગયેલ દિમાગી વાયરસ પર કેટલી થશે, એ એક ન ઉકેલાય એવો કોયડો છે!
આમીરખાન બહેતરીન અદાકાર છે. એની આંખમાં આવતાં આંસુ અદાકારીનો ભાગ હોય તો પણ “સત્‍યમેવ જયતે” ની પ્રસ્તુતીનો મહત્વનો હિસ્‍સો બની એણે સામાજીક કર્તવ્ય નીભાવ્યુ છે એ માટે એ તારીફને પાત્ર છે.


મા-બાપ વગરની દીકરી એટલે મધદરિયે નાખુદા વિના ઝોલા ખાતી નાવ! એવી નાવ ને ન તો કોઇ કિનારો ન તો મંઝિલ! બસ, ફક્ત એના નસીબમાં લખાય જાય છેઃ બીજાના હોઠો પરથી છુટતા હુકમનો અમલ કરવાની, કયારેય ખત્મ ન થાય એવી ભિષણ લાચારી!
દીકરી અને ગાય દોરે ત્યાં જાય! —એ  જુના જમાનાની ઉક્તિ મા-બાપ વગરની દીકરીને શત-પ્રતિશત લાગુ પડે! ગાય તો  હવે દોરે ત્યાં જતી નથી! એને ફાવે ત્યાં એ જતી થઇ ગઇ છે! પણ, મા-બાપ વગરની દીકરીનું નસીબ એવું બુલંદ હોતું નથી! એ જયાં રહે છે ત્યાંનું સઘળુ કામ એના માથા પર  તાજની જેમ મઢી દેવામાં આવે છે! ઘરની દીકરી આરામ ફરમાવે અને મા-બાપ વિનાની આ દીકરી સઘળું કામ કરતી રહે એવું સગ્ગી આંખે જોયું છે! ભીતર દર્દની ટીસ ઊઠે પણ, હસ્તક્ષેપ ન કરી શકવાની બંધિયાર લાચારી દર્દને ફક્ત વજનદાર કરવાનું કામ કરે છે!
જેને મા-બાપ છ છ મહિનાના અંતરે ગુજરી ગયા હોય, દાદા-દાદી માટે ઊંબરાનો પત્થર બની ગઇ હોય, ભાઇ માટે એ હોય જમીન પરનો બોજ… એવી અઢાર વર્ષીય  છોકરી જાય તો પણ કયાં જાય ? અને રિશ્તાની શરમે જાય તો પણ કરવાનું શું એણે ? ફકત કામ…કામ… અને કામ જ ને ? સવારથી સાંજ સુધી કામ કરતી સદાય હસતી રહેતી એ છોકરીને શું થાક નહીં લાગતો હોય ? દરામણથી માંડીને ભર બપોરે ઘરે આવેલા મહેમાન માટે ઠંડુ પીણું લઇ આવવાની જવાબદારી પણ બખૂબી નિભાવવાની એણે!  એ નિભાવ્યા પછી બિરદાવવાની વાત તો દૂર પણ કશુંક શરત-ચૂકથી રહી ગયુ હોય તો આંગળી ચીંધીને સીધુ જ બતાવવાનું! આ કામ જો રહી ગયુ ને ? આ તારે જ કરવાનું! ઘર તારૂં છે! આ જવાબદારી પણ તારી!
“ના” પાડવાનો, નખરા કરવાનો, જીદ કરવાનો તો કોઇ સવાલ જ ઉપસ્થિત થતો નથી! ફકત “હા” અને એ પણ સસ્મિત! એ માટે ભીતર, વલોવાતા જીગરમાંથી ઉદ્દભવતાં દર્દને છુપાવવા સારૂં કલેજુ કેટલુ કઠણ કરવું પડે ?
એ છોકરીના ચહેરા પર આવતા સ્મિતની પછવાડે ખામોશ ઊભેલાં ભોળપણ ને રડતાં જોયુ છે મેં! એ ઇશ્વરદત્ત માસુમ ખૂબસુરત ચહેરો! એ ચહેરાને રડવાની છુટ નથી! એ ચહેરાને સમાજની કડવી વાસ્તિવકતાએ બક્ષી દીધું છેઃ સ્મિત! એ સ્મિતના સહારે એ માસુમ છોકરી જિંદગી તરી જશે ? કે પછી… મધદરિયે નાખુદા વિના ઝોલા ખાતી નાવ ની જેમ જ…. એવું કશું જ ન બને એની કષ્‍ટદાયક જિંદગીમાં— ઇચ્‍છી લઉં છું.
—નજરે દેખાય એ જ હકીકત નથી હોતી! કયારેક ન દેખાય એ વાસ્તવિકતા વધુ કટુ, પીડાદાયક હોય છે! એવી ન દેખાતી પીડા સાથેનો અદ્રશ્ય ઝખ્‍મી રિશ્તો બંધાતો જાય છે!


નડીઆદ એસ.ટી.સ્ટેન્ડની બહાર બસ નીકળી. બારી બહાર નજર પડતાં નજર રોકી રાખે એટલી મોટી જાહેરાતનું હેડીંગ્સ. હીરા વેચતી કંપનીનું મનભાવન સુત્ર જીવનમાં સર્જાય એવું બધા જ ઇચ્છેઃ લમ્હોં કો યાદેં બના દે!
પસાર થતો સમય ભૂતકાળ બની જાય ત્યાં સુધી આપણી ભીતરની બેહોશી યથાવત રહે છે! હાથમાંથી છટકીને ભૂતકાળ બની ગયેલા સમય-ખંડને પછી ચ્યુઇગમની જેમ ચગળતાં રહેવાનો ફીક્કો, એમાંથી કશું જ ન ઉપજે એવો અર્થહિન મિથ્યા યત્ન જીવનભર ચાલ્યા કરે!
ક્ષણ યાદ બની જાય એવો પૂરા જીવનમાં યાદગાર હિસ્સો કેટલો ? વર્ષ, મહિનાઓ, દિવસો, કલાકોની વાત તો છોડો એક મીનીટ પણ એવી ગુજરી છે, જે બની ગઇ છે યાદગાર ? દિમાગ કસવા છતાં પણ એવી અનમોલ ક્ષણ નજર સમક્ષ ન આવે એને જ શાયદ આપણે કહીએ છીએ જિંદગી! ઘર ચલાવવા માટે સતત ચાલતા રહેતા પગ ઘસાઇ જાય તો પણ, શાંતિથી એક ક્ષણ જેને ચાહો છો એનો હાથ પકડી કશું જ કહ્યા વિના ચૂપચાપ બેસી શકતા નથી! પૈસો કેન્દ્ર સ્થાને આવી જતાં રોમાન્સ, રોમાંચ —અને આ બંનેમાંથી ઉપજતું વિસ્મય સતત ગુમાવતાં રહેવાનું નામ જ જિંદગી બની ગઇ છે! અને એટલે જ શાયદ ઇન્શાનનો હાથ સોના-ચાંદી, હીરામાં સુખ શોધવા, શોધીને તરાસવા માટે લંબાતો જાય છે! હીરા વેચતી કંપનીની નજરમાં સ્ત્રી-પુરૂષના કથળેલાં, શુષ્‍ક સબંધ આવી ગયા છે! શુષ્‍ક થઇ ગયેલ સબંધ હીરાની ઝાંખી ન પડે એવી ચમકથી ચમકાવી શકાય છે! —એવું આબાદ ઠસાવી દીધું છે! પત્નીના ચહેરા પર સ્મિત જોવા માંગતા હોય તો અમારી પાસે આવોઃ પૂરી રેન્જ છે અમારી પાસે હીરાના દાગીનાની! ખરીદો! પત્નીને પહેરાવો! અને પછી બદલાતી મોસમનો મીજાજ મનભરીને માંણો! સુખ નામના શબ્‍દનો અર્થ જેને જીવનભર મળ્યો નથી એ આ આખરી રસ્તો પણ અજમાવી જુએ છે! મળે છેઃ ફકત માંગણીઓનું લાંબુ લીસ્‍ટ! જે લંબાયે જતી જિંદગીની જેમ જીવનના આખરી શ્વાસ સુધી લંબાતુ રહે છે!
જીવનને માંગણીઓનું લીસ્‍ટ બનાવવું છે કે પછી લાગણીઓના સાર્થક પાકને લણી શકાય એવું હરિત ખેતર ?


શા માટે નજર તને શોધ્યા કરે છે ? સવાલ છે, જવાબ જડતો નથી! વર્ષોથી શોધ્યા કરૂં છું, જવાબ. જે જડે છે એ માત્ર તારી યાદ ઘેરી કરવાનું કામ માત્ર જ કરી, મને ઉદાસ કરી મૂકે છે! તું હતી તો હતી જિંદગીમાં મેઘધનુષી રંગોની રોનક! કારણમાં એટલું જ—લેવાતા-મૂકાતા  શ્વાસના અંતરાલ વચ્ચે હંમેશા મહેસૂસ કરી હતી મેં તને! જેને મહસૂસ કરો એને મારી નાંખવું સહજ કે સહેલું નથી! ભીતર એ હાજર જ રહે છેઃ દર્દ બની! નફરત બની! ન ભરાય એવો જીવનભરનો ઝખ્મ બની!
ઝાકળની પારદર્શક ભીનાશ જેવું તરલ તારૂં  સ્ત્રીત્વ! —મધ્યાન્હે તપ્‍તા સૂર્યને લઇને શોધવા નીકળો તોય ન જડે એવું! તને જોતાં જ નજરની પરિધમાં કુંડળીના આકારો રચાવા લાગે છે!  બાર ખાનાઓમાં વહેંચાયેલી કુંડળી! ચોક્કસ ઘરમાં પડેલો ગ્રહ ભાગ્યોદય માટે જવાબદાર ઠરે એવું જયોતિષમાં માનનારા દ્દઢતા પૂર્વક સમજાવતા હોય છે! મારી જીવન કુંડળીમાં એક જ ઘર છે! કયારે એ ઘરમાં પધારી, મારા જીવનના ભાગ્યોદય માટે આવે છે ? રાહ જોવાની પણ એક સીમા હોય એવું તને કોઇએ, કયારેય કહ્યું જ નથી ? કુંડળીમાં ખોટા સ્થાને પડેલા ગ્રહોને રીઝવવા માટે હજાર વિધિ-વિધાનો છે! તને રીઝવવા માટે મારે શ્વાસ મૂકવો પડશે ? —તારી હથેળીમાં ? આ આખરી રસ્તો હોય તો પણ મને એની પર ચાલવામાં ગૌરવ થશે. આમ પણ, તને જોતાં જ હું શ્વાસ ચૂકી જ જાઉં છું! અને હર વખતે મને ડર લાગ્યા કરે છેઃ બીજો શ્વાસ નહીં લેવાય તો ? તો મૃત્યુ નિશ્ચિત! અને એ જડ સ્થિતિમાં તારો દીદાર નસીબ ન જ થાય એટલે ગભરાતો રહું છું! આમ તો મૃત્યુ મુક્ત કરી દે છે ઇન્શાનને! પણ, મારે એ રીતે મુક્તિ જોઇતી નથી!  બસ ફક્ત મારા શ્વાસોની મુક્તિ બનીને આવ તું એટલું જ ઝંખુ છું! ઝંખના બહુ મોટી છે ? તું આવતી નથી એટલે મારે માની લેવું પડે છે કેઃ બહુ જ મોટી છે મારી ઝંખના!
પૃથ્વી પર પહેલો પુરૂષ આવ્યો આદમ. એની કંટાળાજનક એકલતા ટાળવા માટે ખુદાએ બનાવી, એની જ પાંસળીમાંથી સ્ત્રી! પોતાના જ અંશમાંથી ઉદ્દભવેલી સ્ત્રી પાછળ પુરૂષ ઘેલો ન થાય તો જ નવાઇ! જે તમારૂં છે એને ચાહવાનો હક્ક તમારો નથી એવું કોઇ કેવી રીતે કહી શકે ? શાયદ, તું મારી પાંસળીમાંથી સર્જાયેલી સંપૂર્ણ સ્ત્રી છે! જેને કોઇ પણ સ્થિતિમાં ધિક્કારવું મારા માટે શક્ય જ નથી! પોતાના અંશને કોઇ ધિક્કારે ખરૂં ? તું માને કે ન માને, તું આવે કે ન આવે, તું મારી અવગણના કરે કે નોંધ લે—કોઇ પણ સ્‍થિતિમાં તું મારા માટે ચાહતનો પર્યાય છે!  કારણ કે જીવન ચાહતનું ઉદ્દગમ સ્થાન તારી ભીતર જ છે —એવું યકીનન માની લીધું છે મેં!


સમય અજીબ જાદુગર છે! નાના હોઇએ ત્યારે વિશ્વ હોય છે મા ના પાલવમાં છુપાઇને જોવાતું, પસાર થતા સમયની ધાર પર ફેલાયેલું વિસ્મય! તરૂણાવસ્થામાં એ બની જાય છે તરૂવરની લીલીછમ શાખાઓ! જેમાં એક ડાળ પરથી બીજી ડાળ પર પહોંચવુ સહજ જ નહીં સરળ પણ હોય છે! પછી આવે છે જવાની! જવાનીને જવાની ઊતાવળ એટલી બધી હોય છે કે સમય મસ્ત બની ઝડપભેર પસાર થતો રહે છે! એક ડાળ પરથી બીજી ડાળ પર જવા માટે ઝોલા ખાવા પડે છે! જવાનીની આ ઝડપી દોડ સમજાય એ પહેલાં તો હાથમાંથી સરકી જાય છે! સમયના પથ પરથી પસાર થઇ ગયેલી જવાની પોતાની પાછળ છોડી જાય છેઃ પાકટતા! આ પાકટતા જીવનના અંતિમ સુધી પડછાયાની જેમ સાથે રહે છે! જાગતા કે સૂતા એ એકલા પડવા દેતી નથી! પણ, માણસ એકલો પડી જાય છે! એકલો પડી ગયેલો માણસ હાંસિયામાં ધકેલાઇ જાય એ ઘટના વ્યવહારૂ ગણાય —એવી સમજ સમાજમાં શાણપણ ગણાય છે!
એકલો પડી ગયેલો માણસ સતત પોતાને મૂંગો-મૂગો શોધ્યા કરે છે! અને પોતાપણું તો કયાંય દૂર સુધી પણ દેખાતું નથી! જેને ચાહ્યા હતા એ બધા જ સામે કિનારે નજર આવે છે! એમના સુધી પહોંચવુ શકય ન હોવા છતાં વલખા મારવાની ઘટના ઘટતી રહે છે! જાહેરમાં હસતો માણસ ભીતરથી સડતો રહે છે! ભીતરનું પોતીકાપણું પતીકા બનીને વેરાતુ રહે છે! એ પતીકાને પછી જીવનના અંતિમ છોર સુધી ભેગા કરવાની મથામણમાં અસ્તિત્વને ઘેરી વળતો શૂન્યાવકાશ!
જે પત્નીને ચાહી હતી એ હિતેચ્છુ જેટલી પણ કાળજી લેતી નથી! સંતાનો માટે બની જાવ છોઃ દર માસની પહેલી તારીખે હથેળીમાં લઇ આવતા ઉપયોગી રૂપિયાનો આધાર! જયાં સુધી હથેળીમાં રૂપિયા આવતા રહેશે ત્યાં સુધી રહેશે  અહેમીયત! પછી કુંડળીમાં ઘર બદલતા ગ્રહોની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંગોળાતા રહેવાનું! તિરસ્કૃતની માત્રા ફકત બદલાય એટલું જ પછી બાકી રહેતું સુખ!


એપ્રિલ-ર૦ ની બળબળતી બપોરની દાહક ગરમીના બદલે શયનખંડમાં, એ.સી.ની ઊતરી આવતી ઠંડક જેવી જ મનભાવન ઠંડક વાતાવરણમાં ઊતરી આવી છે! ભર ઊનાળે વર્ષી જતો વરસાદ ગરમીને પોતાની નંમીથી શોષી લે ત્યારે કેવું વાતાવરણ રચાઇ એ તો ખુદ અનુભવો તો જ ખબર પડે! પછી ભલેને એને માવઠું કહેવાય!
અમદાવાદના સહન ન થાય એવા ગરમ વાતાવરણમાં ઊતરી આવેલ ઠંડક, કમોસમી વર્ષી ગયેલ વરસાદના લીધે હોય તો પણ માંણવી ગમે એવી —મનગમતી માનુનીના જોબનના છલકાતા આસવ જેવી રસીલી છે! જેનો રસાસ્વાદ કરવો ન ગમે એ માણસને કહેવાય પત્થર!
ચોમાસાની શરૂઆત થતાં જ ગહેકતા મોર આ  વરસી ગયેલ વરસાદથી છેતરાઇ, ચોમાસું સમજી ઢેલને પ્રેમનું આમંત્રણ આપવા ગહેકવા માંડયા છે! રૂતુ ચક્રનું ભાન ભૂલી ગહેકતા મોર કુદરતના કરિશ્મા સામે લાચાર છે શાયદ! લાચારી શું શું કરાવે છે એનો અનુભવ હર એક શખ્સને જીવનમાં થતો રહે છે! આવી મનભાવન લાચારી હર એક શખ્સની જિંદગીમાં આવતી રહે એ ઇચ્છનીય ગણાય! એવું વાતાવરણ કુદરતે રચ્યું એ બદલ આપણે આભાર માનવાના નથી એ હકીકતને બાજુએ મૂકી આ ભાર મુક્ત વહેતા સમયમાં ફેલાયેલ ઠંડકને ઠંડા પીણાની જેમ ઘૂંટડે-ઘૂંટડે ભીતર ઊતારીએ!


ઉદાસીના ધારદાર ચક્રમાંથી પસાર થતો સમય વહેરાતો રહે છે! વહેરાતો સમય અસ્તિત્‍વની પીડામાં ઇજાફો કરવાનું કામ બખૂબી કર્યે રાખે છે! મારા પામોરિયન ડૉગ પપ્‍પુની વિદાય પછી યાદોનો જે સીલસીલો શરૂ થયો છે, એ બદલાયેલી સ્થિતિમાં મૂકાયેલ મારા અસ્તિત્‍વને લીધે આનંદદાયક રહ્યો નથી! કષ્‍ટ, પીડા, યાતના, તકલીફ બધા જ શબ્દોનો એક જ અર્થ ઊભરે છેઃ ન જીરવાય એવી શાબ્દિક ખામોશી!
એક જ ‘ચીજ’ બદલાતી પરિસ્થિતિમાં અલગ-અલગ અર્થ રચે છે! જેને ચાહો છો એ  હયાત હોય તો યાદ, યાદગાર બની જાય એવું  હંમેશા બને છે. જો એ નથી તો  યાદ બની જાય સમયભરની ગ્લાનિ! એનાથી મુક્ત થવું સહજ કે સહેલું હોતું નથી! યત્ન તો થઇ જ શકતો નથી! જે ઝીલાય છે એ  ફક્ત હોય છે સમય ચક્રમાંથી ઝરતો અવસાદ!
રોજ સવારે સાડાછ-પોણા સાતની વચ્ચે મારા પામોરિયન ડૉગ પપ્‍પુની કબર પર જાઉં છું! જવાના કારણમાં મારો ભીતરનો ડર જવાબદાર છેઃ રખેને બીજા રખડતાં કૂતરા એની કબર ખોદી  નાંખે!  આ ડર સાચો પણ પડયો છે! ત્રીજા જ દિવસે એની કબર ખોદાઇ ગઇ હતી! હું પહોંચ્યો અને જોયું તો એક કૂતરો ઝનૂન પૂર્વક કબર ખોદતો હતો! ભગાડ્યો. જોયું. ત્રીજા દિવસની સવારે પણ પપ્‍પુ, મારો પામોરિયન મૃત ડૉગ ઊભો થઇને મને ખુશીનો માર્યો વળગી પડશે એટલો જીવંત લાગતો હતો! એના ચહેરા પર જરા શરખી પણ મૃત્યુની છાયા દેખાતી ન હતી! ભારે હૈયે ફરી માટી વાળી. ભર બપોરે કાંટાળા ઝાડની ડાળખીઓ મૂકી આવ્યો. ઊપર મૂક્યા ભારેખમ પત્થર. હવે, પપ્‍પુની વિદાય પછી ભારેખમ થઇ ગયેલા મારા દિલને નિરાંત છે. કૂતરા ફરકતા નથી. મારા પામોરિયન ડૉગ પપ્‍પુની કબર સહીસલામત છે!
મૃત્યુ પછી પણ સલામતીની ખ્વાહિશ રાખતી  ચીજનું નામ છેઃ મતિ! જે કેટકેટલા કામ જીવનભર કરાવ્‍યે રાખે છે આપણને! અને આપણે કર્યે રાખ્‍યે છીએ! કારણમાં એટલું જ કે જીવનને ચાહીએ છીએને! ચાહત છે ત્યાં સુધી ફિકર, ચિંતા રહેવાની જ! એ કયાંય જવાની નથી! આપણી આજુબાજુ પહેરો ભરતી રહેવાની છે! એ પહેરો ભરતી ફિકર, ચિંતા હજુય, ઘણા દિવસો સુધી સવારના મારા પામોરિયન ડૉગ પપ્‍પુની કબર પર મને લઇ જશે એ નક્કી છે!


કર્લસ ટી.વી.ના બીગ બોસ શૉ માં ધમાકેદાર એન્ટ્રીએ રાતોરાત પોર્ન સ્ટાર સન્ની લીઓનને ઘરે-ઘરે જાણીતી કરી દીધી, એ સમાચાર જુના થયા. કર્લસ ટી.વી.ના ટી.આર.પી. વધ્યા. જાહેરાતો વધી. જાહેરાતો વચ્ચે આવતા બીગ-બોસ શૉ માં સન્ની લીઓનને જોવાની લોકોને મઝા પડી! ખૂબસુરત ચહેરા સાથે સુડોળ શરીરની માલીક સન્ની લીઓન રાત્રે સ્વપ્‍નમાં આવીને ઉંઘ ખરાબ કરે એટલી સરસ લાગતી હતી! એ સરસ લાગતી હતી એટલે કે પછી એના પર પૈસા લગાડવાથી ફિલ્મ તરી જાય…ગણિત ગમે તે હોય બોલીવૂડની ઓફરો આવવા લાગી. મહેશ ભટ્ટ જેવા દિગ્ગજ નિર્માતા-નિર્દશકે એને કાસ્ટ કરી હોવાના સમાચાર પણ વહેતા થયા છે!
સામાજિક મૂલ્યોનું પતન કે પછી સામાજિક મૂલ્યોની નવી વ્યાખ્યા ? એ સમજાય એ પહેલાં તો કશા જ વિરોધ વિના હિદુસ્‍તાનમાં સન્ની લીઓન સ્વીકાર્ય બની છે! એ પોતાને ગર્વથી ભારતીય કહેવડાવે છે! હિંદી શીખી રહી છે એવું સમાચાર પત્રોમાં પ્રગટ થતું રહે છે!
હોલીવૂડ સ્ટાર, બોલીવૂડ સ્ટાર કે અન્ય સ્ટાર દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્રારા તમારા દિલો-દિમાગ પર હથોડાની જેમ વીંઝાતા રહે છે! એ તમને ચેન લેવા દેતા નથી! શાહરૂખને ભર ઊનાળે જો છીંક આવી જાય તો બીજા દિવસના ન્યુઝ પેપરની હેડ લાઇન બની શકે એવો સ્ટારનો જુવાળ લોક માનસ પર છવાઇ ગયો છે! ડીવીડી પર પોર્ન ફિલ્મ જોઇને આઘેડ થયેલી એક આખી પેઢી સન્ની લીઓનનો વિરોધ કરે એ શક્ય જ નથી! અને આજની પેઢી એટલી સમજદાર, પુ્ખ્‍ત છે કે એમના માટે હર એક ચીજ સ્વીકાર્ય છે!
ગૂગલ સર્ચમાં સન્ની લીઓન લખી એન્ટર આપવાથી ઢગલા-બંધ પોર્ન વિડીઓ, વૉલ પેપર નજરને રોકી રાખે એવું બનવાની શકયતા ખરી! એકાદ પોર્ન વિડીઓ જુઓ એટલે આવા લોકોને સ્ટાર કેમ કહેવાતા હશે ? -એ સવાલ થાય! સૅકસની ઉમદા અદાકારી(!)  સ્ટાર પદ અપાવતું હશે ? સૅકસમાં અદાકારી જેવું શું હોય ? -એ, પૂરો વિડીઓ જુઓ તો પણ ન સમજાય! અને જે ન સમજાય એ સ્વીકારી લેવાની સમજદારી તમને ઠરેલ હોવાનું સ્થાન સમાજમાં અપાવે એટલું તો ગાંડાને પણ ખબર પડે!
કશા જ છોછ વિના પોર્ન સ્ટારને સામાજિક દરજ્જો મળ્યો એમાં માણસ તરીકે આપણી સામાજિક ઊંચાઇ સિધ્ધ થઇ છે કે પછી છોડો યાર… કયાં ઝમેલામાં પડવું ? જેવી માનસિકતાના લીધે હર એક ચીજ સ્‍વીકાર્ય  બનતી જાય છે ? અને એટલે જ શાયદ સ્‍વીકાર્ય બનેલી માનસિકતાએ સ્‍વીકારી લીધુ હોયઃ માણસનો ધંધો-રોજગાર ગમે તે હોઇ શકે એની સાથે એના ચારિત્રયને કશી જ લેવા દેવા નથી! ચારિત્રય આખરે ચારિત્રય છે ભલા એને થોડી ડાધ લાગે ? -શુધ્તા, ચારિત્રયનો જન્મસિધ્ધ અધિકાર છે!


મારા પામોરિયન ડૉગ પપ્‍પુની સ્તબ્ધ કરી દે એવી આઘાતજનક આખરી વિદાયની ત્રણ રાત મારા અસ્તિત્વ પરથી ઘસાઇને પસાર થઇ ગઇ છે! કાંકરી પડવાનો અવાજ કે પછી ઘરના દરવાજે થતી ન સંભળાય એવી આહટ પપ્‍પુના કાને અથડાતાં જ એ સર્તક થઇ ઘર બહાર દોડી, દરવાજા પાસે કાન ઊંચા કરી ઊભો રહી જતો! જો કોઇ હલનચલન કરતી ચીજ નજરમાં આવી ગઇ તો ભસવાનું ચાલુ! પછી એને બંધ કરવો અઘરો થઇ પડતો! આખરી શસ્ત્ર ધમકીનું જ કામ આવતું! થોડીક મીનીટ ઘરમાં આવી, ફરી પાછો નજર ચૂકવી ઘરના દરવાજે! દરવાજો પપ્‍પુ વિના સૂનો છે! મૃત્યુ એક જ ક્ષણે બધુ જ શાંત કરી દે છે! હું પણ ભીતરથી શાંત થઇ ગયો છું. આ ભીતરી, ન સહેવાય એવી શાંતિ શત-પ્રતિ-શત ચોવીસે કલાક મને ઉદાસ રાખે છે! ભીતરી શાંતિ હંમેશા યાદ અપાવે છેઃ હું કશુંક અમૂલ્ય ગુમાવી ચૂક્યો છું! સાંજે થાકીને ઘરે જાઉં અને ઘરના ઊંબરા પર જ ખુશીનો માર્યો વળગી પડતો મારો પામોરિયન ડૉગ પપ્‍પુ! અપેક્ષા વિના ચાહનાર એના સિવાય કોઇ હોઇ શકે ? પારિવારિક સબંધો અપેક્ષાના જાળા પર ગુંથાતા હોય છે! —તમે ભેટ લાવશો તો મળશે સ્મિત! તમે હથેળીમાં ન સમાઇ એટલો પૈસા મૂકશો તો મળશે બદલામાં પ્રેમ! પપ્‍પુ સાથેના મારા અનોખા રિશ્તામાં આ બધી માંગણીઓની બાદબાકી થઇ જતી હતી! હું જમવા બેઠો હોઉં અને એ આવે. આવીને ચૂપચાપ મારી પાસે, થોડુંક અંતર રાખીને બેસે. માંગણી યાં લાલચ બિલ્‍કુલ નહીં! હું આપું તો ખાય! નહીં તો મને જમતા જોઇને જ એ ખુશ થાય! બે દિવસ જો એને જમવાનું ન આપ્‍યું હોય તો પણ મને જોઇને એની ભીતર હરખની હેલી ચઢે! પાંચ મીનીટ પહેલા જ ઘરની બહાર ગયો હોઉં, અને પછી પાછો ફરૂં એટલે પૂછડી પટપટાવી, ખુશીનો માર્યો ભસવા માંડે! મારે એને કહેવું પડેઃ હજુ હંમણા જ બહાર જઇને આવ્યો છું… એ કશું જ ન ગણકારે. બસ મારા ખોળામાં ચઢીને એની નાનકડી જીભ મારા ચહેરા, ગરદન પર એટલી ઝડપથી ફેરવે કે.. ગુસ્સો કરવાનું સૂઝે જ નહીં! મારા ગુસ્સાને પણ સહેનાર મારો પપ્‍પુ નથી ત્યારે એના ચાલી જવાથી સર્જાયેલ રિક્તતામાં, શ્વાસ ભરતા સમય લાગશે મને. સમય હર એક ઝખ્મને રૂઝાવી દે છે. મારો ઝખ્મ પણ રૂઝાશે. એ રૂઝાશે ત્યારે ખરો. પણ, હાલ તો એ ભીતરી ઝખ્મમાંથી વહેતી પીડા કોઇની આંખે ચઢે એવી ઘન નથી! અને કદાચ એટલે જ તકલીફ વધુ થઇ રહી છે. ગઇ કાલે જ ઓફિસના સહ-કર્મચારીએ સાવ શુષ્‍કતાથી પૂછયું, “તારૂં કૂતરૂં મરી ગયું નહીં… બહેન પાસેથી જાણ્યું!” -એની શબ્દોમાં ઠલવાયેલી સહજ કઠોરતા મને કઠી. છતાં શાંતિથી એની સામે જોઇ, હું ચૂપ જ રહ્યો. એ ગયો. વાતાવરણમાં ફેલાયેલી ગમગીની વધુ ગહેરી બની.
પપ્‍પુ વિનાની ત્રણ રાત પસાર કરી ચૂકયો છું!  પપ્‍પુ હોત તો ઠંડી હવાના ઝોકા પર સવાર થઇ પસાર થઇ જાત! એ નથી એ સત્ય  હું, જેટલી ઝડપથી સ્‍વીકારી લઇશ એટલી જ ઝડપથી સ્‍વસ્‍થ થવામાં “સ્‍વીકાર્ય બનેલી પરિસ્થિતિ” મદદરૂપ થશે! હાલ તો સ્‍વસ્‍થતાના કોઇ ચિન્હો દેખાતા નથી. ઉદાસી નામની બિમારી બહુ લાંબો સમય ચાલવાની છે! ન દવા ન દુઆ કશું જ કામ આવશે નહીં એની મને ખાત્રી છે!


એકાએક, અચાનક, કશા જ દેખીતા કારણ વિના કોઇ તમારી જિંદગીમાંથી, હંમેશ માટે ચાલ્‍યું જાય અને જે આઘાત લાગે, એવો જ—ન જીરવાય એવો આઘાત મારા અસ્તિત્‍વ પર થયો છે. મારો પામોરિયન ડૉગ પપ્‍પુ ગઇ કાલ ૭.૪.૧૧ ના રોજ સાંજે સાત પચાસે ગુજરી ગયો! —હું અને મારી દીકરી એને દવાખાને ઓટોમાં લઇ જતા હતા ત્યારે. મૃત્યુ આટલુ આકસ્મિક અને સહજ હોય શકે એ માનવામાં આવતું નથી! એના પ્રત્યેની મારી ચાહત કે પછી મારા પ્રત્યેનો એનો અખૂટ પ્રેમ.. બધું જ એક જ ક્ષણમાં નજર સામેથી ગાયબ થઇ ગયું! મારૂં નાનકડું વિશ્વ પપ્‍પુના જવાથી શૂન્ય થઇ ગયુ છે! મારા સંવેદન-તંત્રને લાગેલ ઝાટકાએ મને સમૂળગો તોડી નાંખ્‍યો છે. આધાત અને આશ્ચર્યના બેવડા મારથી હું મૂઢ થઇ ગયો છું. ગળા નીચે પાણી સિવાય કશું ઊતર્યુ નથી.
કશી જ બિમારી ન હતી મારા નાનકડા પામોરિયન ડૉગ પપ્‍પુને. હા, ફકત ચાર દિવસથી ખાવાનું ઓછું કરી નાંખ્યુ હતુ. ગઇ કાલે સવારે મારી પાસે આવી એ બેઠો ત્યારે એ આખરી દિવસ હતો અને સાંજે વિદાય થઇ જશે એવી ખબર જ ન હતી! —એને હશે ખરી ?
એ વિદાય થઇ જવાનો છે એવી ખબર તને હોત તો પણ શું કરી શકત…તું ? હું મારી જાતને સવાલ કરૂં છું. જવાબમાં આંખ આગળ આંસુઓનો પરદો રચાતો જાય છે. જેને અનહદ ચાહું છું એ જ શા માટે મારી જિંદગીમાંથી વિદાય થઇ જાય છે ? વુફી, મારી જર્મન શેર્ફડ ફીમેલ ડૉગ પણ મને આંસુઓમાં ડુબાડી ઓકટોબર-ર૯, ર૦૧૧ ના રોજ પાછી ન ફરી શકે એટલી દૂર, મૃત્યુની ગોદમાં ચાલી ગઇ હતી. એના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવામાં મારા પામોરિયન ડૉગ પપ્‍પુનો સિંહ ફાળો હતો. મને તો એ વુફીના આઘાતમાંથી બહાર લઇ આવ્યો. પણ, એ શાયદ વુફીની કારમી વિદાયને સહન કરી શકયો નહીં હોય! એ અંદર ને અંદર તૂટતો ગયો હશે. નહીં તો વુફીના ગયા પછી ફકત સવા પાંચ મહિનામાં જ વિદાય કેમ થઇ જાય ? હવે જયારે એ ચાલી ગયો છે ત્યારે એના વિના ફેલાતા જતા ખાલીપાના વિસ્‍તરતા વ્‍યાપમાંથી ઉદ્દભવતા આઘાતના,  થઇ જતા અસ્તિત્વ પરના કુઠરાઘાતની સામે ઢાલ બનીને કોણ ઊભુ રહેવામાં મદદરૂપ થશે ? -સવાલનો જવાબ, રાતની વધતી જતી ગહેરાઇમાં ડૂબતો ગયો અને આ રવિવારની સવારે પણ જવાબ જડયો નથી. હું ખામોશ, મારા પપ્‍પુને મારા ઘરના ખૂણે-ખૂણે શોધ્‍યા કરૂં છું. શાયદ જડી જાય! એ હવે મને કયાંય જડવાનો નથી—એ હકીકત મારા માટે સ્‍વીકાર્ય બનવાની નથી. જેને ચાહતા હોઇએ તેની અણધારી વિદાય સંવેદન-તંત્રને બધિર બનાવી મૂકે છે.
અઢી વર્ષનું બહુ જ ટૂંકુ આયુષ્‍ય ભોગવી મારો પામોરિયન ડૉગ પપ્‍પુ વિદાય થયો છે ત્યારે નજર સામે એનો માસુમ ચહેરો, ભોળી આંખો તરવરે છે. પરાણે વ્‍હાલો લાગે એવો મારો પપ્‍પુ!
સવારે ઓફિસ જવા નીકળું ત્યારે ઘરના દરવાજા સુધી આવી મારી આંખોમાં બસ જોઇ જ રહે. હું જાઉં. એ મને, હું દેખાઉ ત્‍યાં સુધી જોઇ રહે—સાંજે પાછો ફરીશ એની ખાત્રી સાથે. સાંજે ઓફિસેથી થાકીને ઘરે આવું અને એ મને દૂરથી જુએ. જુએ એટલે તરત જ પોતાની પૂછડી પટપટાવે. અને પછી ખુશીના ઇઝહાર સમું ભસવાનું શરૂ કરી દે! ઘરના સર્વેને ખબર પડી જાયઃ હું આવી ગયો છું! બસ એક જ મીનીટમાં ઘરના દરવાજે હોઇશ!
ઘરે આવી જાઉં પછી કયાંય સુધી એ મારી આજુબાજુ ઘૂમતો રહે. હવે જયારે એ નથી ત્યારે સવારે ઓફિસ જવાના સમયે કોણ બહાર આવી, મારી આંખોમાં જોઇ, મને જતા જોઇ રહેશે ? સાંજે ઓફિસેથી થાકીને પાછો ફરીશ ત્યારે ઘરના દરવાજા પર પહેરો ભરતો સન્નાટો મને વીંધી નહીં નાંખે ?
પપ્‍પુ! તારી વિદાય એટલી અણધારી થઇ ગઇ છે કે રાતની વધતી જતી ગહેરાઇમાં ખુદને પૂછી બેઠો હતોઃ ખરેખર પપ્‍પુ ચાલ્યો ગયો છે ? —હંમેશ માટે ? ના, પપ્‍પુ કયાંય ગયો નથી! એ તો મારી ભીતર શ્વસતી સંવેદનામાં સજીવ છે. ભલા સંવેદના સાથે સંવાદ સાધનાર વિદાય થાય ખરો ?
૭.૪.૧૧ ના રોજ રાત્રીના દસ વાગ્યે, વુફીની પડખે મારા પપ્‍પુને દફન કરી ઘરે આવ્યા હતા. એની કબર પર સળગતી મીણબત્તીનો ઉજાસ, મારા દિમાગમાં થીજી ગયેલ અંધકારને પીગળાવી શકે તેમ નથી એની ખાત્રી ઘરે આવ્યા પછી, પપ્‍પુ વિના ખાલીખમ લાગતાં ઘરને જોતાં થઇ ગઇ છે મને.
મરવાની ઊંમર ન હતી એવો મારો પામોરિયન ડૉગ પપ્‍પુ કોના ભરોસે મને એકલો મૂકીને ચાલ્યો ગયો હશે ? —હંમેશ માટે ? જવાબ નથી. છે ફકતઃ આંખોમાં પૂરની જેમ ધસી આવતાં ખારા-ખારા આંસુ!


“—રેસમાં પ્રથમ આવવા માટે સમયની આગળ દોડવું પડે છે!” —આ શબ્દો છે ગુજરાત મેરીટાઇમ બોર્ડના ફરજ પરસ્ત ઉપાધ્યક્ષ અને મુખ્‍ય કારોબારી અધિકારી શ્રી પંકજ કુમારના!
ગઇ કાલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ૩૦ વર્ષ પૂરા કરી ૩૧ માં વર્ષમા પ્રવેશ કર્યો એની ખુશી શ્રી પંકજ કુમારના ચહેરા પર, એમના લાંબા પણ સાંભળવા લાયક વકતવ્‍યમાં છલકાતી હતી! ૧૬૦૦ કિલોમીટરના દરિયા કિનારાની હકુમતનો એકાધિકાર ભોગવતા, અધિકારીશ્રી પંકજકુમારના ચહેરા પર ન તો અભિમાન! ન સામેના માણસને તુચ્છ સમજવાની વૃત્તિ! એમને સાંભળ્યા પછી લાગેઃ આ માણસ આપણને જે ગમતો હતો એ પડોશી તો નહીં ને ? ગુજરાતી ન હોવા છતાંય ગુજરાતીમાં જ વાત કરવાની એમની, આપણને ગુજરાતી હોવાનો ગર્વ અપાવે એવી જીદ!
પ્રસંગને અનુરૂપ વાત કરવાની એમની સાદગી એ આઇ.એ.એસ છે એ ભૂલાવી દે છે! એ મિત્ર છે, હમ ખ્યાલ છે, હમ સફર છે એટલું જ યાદ રહી જાય છે! અને એ જ તો સર્વોત્તમ અધિકારી તરીકેની એમની લાયકાત સિધ્ધ કરે છે. ભૂલો તરફ બહુ મીઠાશથી આંગળી ચીંધે છે! આગળ વધવા માટે એટલા જ પ્રેમથી ઉત્સાહિત કરે છે! એમની સાદગીમાં સાચો શિક્ષક નજરમાં આવે છે! જે મારતો નથી મનથી પોતાની વાત મનાવે છે! જે સંસ્‍થામાં તમે કામ કરો છો તેનો આદર કરો! એ છે તો તમે છો! —એમની વાત સાથે સંપૂર્ણ સંમત છું હું!
સુપર માર્કેટમાં ખરીદી અર્થે જયારે હું મારી પત્ની સાથે જાઉં છું અને ખરીદી પછી મીઠા સ્મિત સાથે બીલ બનાવી મીઠડી છોકરી મારી પત્‍નીને પૂછે છેઃ મૅડમ કેશ કે કાર્ડ ? મારી પત્ની આંખમાં ખુમારી આંજી કહે છેઃ કાર્ડ! એની આંખમાં ડોકાતી ખુમારી પાછળ મજબૂતાઇથી, અડીખમ ઊભેલ મારી સંસ્‍થા ગુજરાત મેરીટાઇમ બોર્ડ મને દેખાય છે. જેણે કયારેક મને ભીડમાં કે એકલતામાં તૂટવા દીધો નથી! હર મહિને મારી હથેળીમાં, એક પણ દિવસ આઘો-પાછો કર્યા વિના ખાસ્સી મોટી રકમ મૂકતી રહી છે! અને હું જીવતો રહીશ ત્યાં સુધી મૂકતી રહેશે! પછી મારી ફૅમીલીના હાથ પર! ગર્વ છે મને મારા ગુજરાત મેરીટાઇમ બોર્ડના દરિયાઇ પાણી પર! જે ખારૂં તો છે, પણ જીવાડે પણ તેં જ છે! નમક વિના કોઇને ચાલ્યું છે ખરૂં ?
“ભૂતકાળમાંથી શીખો! ભવિષ્‍ય ઉજ્જવળ બનશે!” —એમની, પંકજકુમારશ્રીની એ વાત સાથે સહમત થતા કચવાટ થાય છે! અહીંયા ભૂતકાળમાંથી કોઇ કશું જ શીખતું નથી! ફકત એક જ વાત ભૂતકાળમાંથી ઉભરે છેઃ ફરી-ફરી એકની એક ભૂલો કરવાની! અને એ કરતાં રહીએ છીએ જીવન ભર! વર્તમાન, કહેવાતા ભવ્ય ભૂતકાળના સોનેરી ઉજાસના અહોભાવમાં વેડફાતો રહે છે! ભવિષ્‍ય જેવી કોઇ ચીજ હોતી જ નથી! કારણ, એ આવે છે ત્યારે વર્તમાન બની જાય છે! એટલે જ પસાર થઇ ગયું છે એનો ગમ નહીં! જે આવ્યું નથી એનો અહોભાવ નહીં! જે છે તેનો ભરપૂર લાભ, ઉપયોગ જ તરક્કીનો નકશો કોતરશે. અને એ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ઉપાધ્યના મજબૂત સ્‍થાને શ્રી પંકજકુમાર બેઠાં છે ને!

ગુડ ફ્રાયડૅ!

Posted by: kshitij7 on: 06/04/2012


બે હજાર વર્ષ પહેલાં એક માનવને શૂળીએ ચઢાવવામાં આવ્યો. શૂળી પર ચઢયા પછી એ માનવ બની ગયો— મહામાનવ! માનવમાંથી મહામાનવ બની જનાર શખ્‍સીયત એટલે જીસસ ક્રાઇસ્ટ. પોણી દુનિયા જેની પાછળ દિવાની છે એ માનવ પ્રેમ ઇશ્વર છે એમ પૂરી ખાત્રીથી કહીને ગયો છે! અને દુનિયાએ કશી જ શંકા વિના પૂરી શ્રધ્ધાથી માની લીધું છેઃ પ્રેમ ઇશ્વર છે!
ઇઝરાયલ જેવી, દુનિયાના નકશા પર દેખાય પણ નહીં એવી મરૂભૂમિમાંથી ઉદ્દભવનાર જીસસ પૂરી દુનિયામાં ફુલની ખુશ્બુની જેમ ફેલાઇ ગયા! ન દુનિયાના દેશોની ભાષા નડી, ન નડયા ગ્રહો યાં પૂર્વગ્રહો. જયાં જયાં એમના પ્રેમનો પ્રકાશ રેલાયો ત્યાં ત્‍યાં થયો ઉજાસઃ કરૂણતાનો. દયાનો.
બે હજાર વર્ષ પહેલાં ક્રૂરતા-પૂર્વક જીસસને શૂળીએ ચઢાવનાર સમાજને કોઇ જ ગ્લાનિ થઇ ન હતી! પણ, આજની પેઢીને જીસસની એ પીડા, યાતના પોતીકી લાગે છે!  અને એટલે જ શાયદ ગુડ ફ્રાયડૅના દિવસે સમસ્‍ત માનવ-જાત પ્રતિક ઉપવાસ કરી એ યાતના, એ પીડા, એ ઝખ્‍મ, ઝખ્‍મમાંથી વહેલ રક્તને તરો તાજા રાખવાની કોશિશ કરે છે! સામાન્‍ય શુક્વાર જીસસ સાથે જોડાઇ પવિત્ર શુક્રવાર બની ગયો છે!
જીસસ ઇઝરાયેલ જેવી લડાયક કોમના પ્રતિનિધિ હોવા છતાં સહિષ્‍ણુતા વિના દુનિયા ખત્‍મ થઇ જશે એવી ખાત્રી હતી એમને! એટલે જ શાયદ એ આદેશ આપી ગયાઃતમારા એક ગાલ પર કોઇ તમાચો મારે તો બીજો ગાલ ધરો! અને આજની તારીખે આ આદેશ અમલમાં મૂકવા જેવો બની ગયો છે! દુનિયા અસહિષ્‍ણુ બનતી ચાલી છે! પાંચ રૂપિયા માટે અહીં કત્લ થઇ જાય છે! ઝાડ-પાનમાં પણ ઇશ્વરને જોનારને, જીવતા માણસમાં ઇશ્વર દેખાતો નથી!  દેખાતો હોત તો સરેઆમ કત્લનો સીલસીલો શા માટે ચાલુ રહે ? આ અટકાવવા માટે બીજો ગાલ ધરવાની સહિષ્‍ણુતા કેળવવી પડશે! —સમાજ સુરક્ષિત રહે એ પણ જરૂરી છે ને ?

 


ચાહત સમયની મોહતાજ નથી! નજર સામે ન હોય, જેને ચાહો છો એ વ્યકિત —તો પણ ચાહત હતાશ થતી નથી! સમય, સંજોગો બંનેને સામ-સામે લાવીને ઊભા કરી દે ત્યારે બંનેના ચહેરા પર સવારની ચા ના ઘૂંટથી  આવતી તાજગી જેવી જ હુંફાળી તાજગી આવી જાય એવું હંમેશા શા માટે બને છે એ સમજાતું નથી! સમજાતું નથી એટલે જ નજર વારેઘડીએ એક બીજાના ચહેરા પર અથડાયા કરે છે! જેને ચાહી છે એ વ્યક્તિનો ચહેરો હંમેશા સુંદર જ લાગવાનો! ચાહતની આ તો એક ન સમજાય, ન સમજાવી શકાય એવી અજીબ ખાસીયત છે!
લાંબા સમયની દૂરિયા ભીતરી અહેસાસને મીટાવી દે એવું બનતું નથી! ચાહતનો ભીતરી અહેસાસ તો મહેંદીના રંગ જેવો છેઃ જેટલી વધારે સમય રાખો હથેળી પર, એટલો જ ગાઢો રંગ આવે. એકવાર પ્રેમ નામના તત્વથી રંગાઇ ગયેલ જિંદગી જીવનભર, જીવતા માણસને ધબકતો રાખે છે!  પ્રેમ વિના માણસ જીવે ખરો પણ, જીવન ધબકી જ ન શકે જો જીવનમાં પ્રેમ ન હોય! માટે જ માણસ જીવનભર પ્રેમને પામવા વલખા મારતો રહે છે! જેમને મળી જાય છે જીવનમાં પ્રેમ, એમનું જીવન ધન્ય બની જતું જોયું છે. જેમને મળતો નથી પ્રેમ, એમનું જીવન બની જાય છે દર્દનો પર્યાય! અને એવો ધબકતો પ્રેમ મળી ગયા પછી કહેવાનું મન થાયઃ સાચે જ… હું તને ચાહું છું! કારણ કે હું ધબકું છું એનો અહેસાસ તારા થકી તો થયો છે!


“પરિણીત સ્ત્રી તરીકે પત્નીના જે હક છે તે બધા હક પતિએ તેને આપવા જોઇએ. પત્નીને પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, કારણ કે તેના પતિનો તેના શરીર પર અધિકાર છે. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, કારણ કે તેના પર તેની પત્‍નીનો અધિકાર છે. તેથી એકબીજાને એ અધિકાર ભોગવતાં અટકાવો નહિ. આ નિયમમાં માત્ર એટલો જ અપવાદ હોઇ શકે કે પતિ અને પત્ની બંને પરસ્પરની સંમતિથી ફકત પ્રાર્થના કરવાના હેતુ માટે અમુક સમય સુધી એકબીજાથી અલગ થઇ શકે. પછી સંયમના અભાવે શેતાન તેઓને પરીક્ષણમાં ન પાડે તે માટે તેઓએ ભેગાં થઇ જવું જોઇએ.” -બાઇબલઃ નવો કરારઃ પહેલો કરિંથીઃ ૭ ♦ ૩ થીપ. (ઇ.સ.પ૬).
ઇ.સ.પ૬ માં પતિ-પત્નીના રિશ્તા માટે બાઇબલમાં અપાયેલ આ  સમજણ ભર્યો આદેશ આજની આ ર૧ મી સદીમાં પણ એટલો જ અસરકારક, અમલમાં મૂકવો જ પડે! —જો પતિ-પત્નીના રિશ્તાને બરકરાર રાખવો હોય તો! ઇ.સ.પ૬ માં પણ પતિ-પત્નીના રિશ્તાને લઇને આરાજકતા, તનાવ ઊભો થતો હશે. અને એને લીધે સમાજ ભાંગી પડવાની ભીતિ પણ ઊભી થઇ હશે. એટલે જ શાયદ બાઇબલ જેવા બહુ-મૂલ્ય ગ્રંથમાં આ રિશ્તાને અગ્રીમતા મળી!
પ્રેમ એટલે એક-બીજાને જોઇને ધરાઇને જોવાની નયન-સુખની વૃત્તિ નહીં! પ્રેમ એટલે  પુરૂષ અને સ્ત્રી એકબીજામાં, પુરૂષ-સ્ત્રીના ભેદ મીટાવી ઓગળી જાય એ સમય-ચક્ર પર અંકાતિ ઘટના! અને આ અનોખી ઘટના ઇ.સ.પ૬ માં કે ઇ.સ.ર૦૧ર માં પણ શાયદ ઘટતી નથી! અને એટલે જ શાયદ  ન્યાયાલય દ્રારા તીખી આલોચના, ટકોર કરવામાં આવે છેઃ “સેકસની ના પાડવી એ છુટાછેડાનું કારણ બની શકે છેઃ હાઇકોર્ટ.” (દિવ્ય ભાસ્કર રપ, માર્ચ-ર૦૧ર પેઇજ નં.૧૪) દિલ્હી હાઇકોર્ટ દ્રારા સખ્ત શબ્દોમાં કહેવાયું છે કેઃ “કોઇપણ વાજબી કારણ વગર શારીરિક સબંધ માટે ઇરાદાપૂર્વક ઇનકાર કરવો એ નિર્દયતા ગણાય.” —અને આવી નિર્દયતા હર એક પતિ-પત્નીના રિશ્તામાં ડોકાય છે! જે તનાવ સર્જવાનું પર્યાપ્‍ત કારણ પૂરૂં પાડે છે! બહુ બોલ બોલ કરતો પૂરૂષ ભીતરથી ગુંગળાયેલો, મૂરઝાયેલો હોય શકે એ વાત આપણી સમજમાં આવતી નથી! પાણી ન મળે તો છોડ પણ કરમાઇ જાય છે! પ્રેમ ન મળે તો પુરૂષ રૂક્ષ થઇ જાય એ વાત સમજમાં આવતી નથી! સમાજની ઘરેડ, ચીલો ચાતરી શકતી નથી! ગુંગળાતો પુરૂષ આખરે, —ડૂબતો માણસ તરણું પકડી તરી જવાની બાલિશ કોશિશ કરે એમ જ બીજી સ્ત્રી તરફ ખેંચાતો જાય છે! અને એ ખેંચાણ ન એને ઘરનો રાખે છે ન ઘાટનો! બીજી સ્ત્રી તરફનું ખેંચાણ પુરૂષને સમાજમાં માન અપાવતું નથી! હોય તો છીનવી જરૂર લે છે! અને આ બીજી સ્ત્રી તરફના ખેંચાણમાં પુરૂષની ભૂમિકા, ભૂમિ પર પગ ટકાવી રાખવા જેટલી પણ સમાજ રહેવા દેતો નથી!  સામા પક્ષે એ પુરૂષની સ્ત્રી આપોઆપ વંદનીય સ્થિતિમાં આવી જતાં વાર લાગતી નથી! સમાજની પૂરી સહાનુભૂતિને એ સ્ત્રી, શસ્ત્ર બનાવી પુરૂષ પર વાર કરવા કમર કસે છે! આખરે ન્યાયાલયે સમાજનો લય જળવાઇ રહે એ માટે  ફરજનું ભાન કરાવતી સોટી વીંઝવી પડે છે!
પુરૂષના કિસ્સાની જેમ જ સ્ત્રીના કિસ્સામાં પણ આ જ વાત લાગુ પડે છે! સ્ત્રી હોવાને લીધે સંયમિત હોવાનું લેબલ આપોઆપ એને લાગી જતું હોય છે! પોતાના તરફથી જરા સરખી પહેલ એના ચારિત્રય પર આંગળી ચીંધવાનું કામ કરી નાંખે છે! ભૂખ, સ્ત્રી અને પુરૂષ બંનેને એક સરખી જ  લાગે એ વાત જ  સમાજના ગળે ઊતરતી નથી! સ્ત્રી એટલે મંદિરના પરિસરમાં, સાડીના પાલવથી કપાળ ઢાંકીને ઊભેલી પત્ની! નહીં કે શયનખંડમાં રતિના રમતીયાળ અંદાજ સાથે કામને ખેંચી લાવતી ભાર્યા!
સ્ત્રી એટલે દેવી! સ્ત્રી એટલે ચારિત્રયનું ઉમદા ઉદાહરણ! સ્ત્રી એટલે પૂજા! પણ, સ્ત્રી એટલે ફકત સ્ત્રી જ! એવું સ્વીકારવાનું શા માટે હર એક બદલાતી સદીમાં બાકી રહી જાય છે ?  પુરૂષની ભીતર થતું સંવેદન, સ્ત્રીની ભીતર પણ એટલી જ ઉત્‍કટતાથી થાય એવું શા માટે સ્વીકાર્ય બનતું નથી ? કહેવા પૂરતો સ્ત્રીને, પુરૂષ સમોવડીનો દરજ્જો તો આપી દીધો પણ પુરૂષની ભીતર આકાર લેતી કામનાઓ સ્ત્રીમાં પણ નાગણની જેમ ફેણ માંડીને બેઠી થાય એવું સમજવાનું, સમજીને સ્‍વીકારવાનું બાકી રહી ગયુ છે!  જયાં સુધી આ સમજ નહીં આવે અને સમજ આવ્યા પછી સ્વીકાર્ય નહીં બને ત્યાં સુધી બદલાતા સમયના વહેણ સાથે સમસ્‍યા ધોવાઇ નહીં જાય! બલ્‍કે ઘેરી થતી જશે! જે પુરૂષ યાં સ્ત્રીના આપસી સબંધને લઇને, કોઇનાય હિતમાં નથી!

 


વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણેય સદાકાળ ટકી રહે છે: પરંતુ તે સર્વમાં પ્રેમ શ્રેષ્‍ઠ છે!
—બે હજાર વર્ષ પહેલાં બાઇબલનું આ કથન આજની તારીખે… માણસ એની શ્રેષ્‍ઠતમ ઊંચાઇએ પહોંચ્યો છે ત્યારે પણ પ્રસ્તુત છે. વિશ્વાસ વિના સમાજનું અસ્તિત્‍વ કલ્પી શકાય એમ છે ? આશા જ ન હોય તો જીવનમાં સર્જાતા ઝંઝાવાત સામે જિંદગીઓ હારી જઇ, થાકી જઇ બૂઝાઇ જાય એને કેટલો સમય લાગે ? અને પ્રેમ ? —પ્રેમ વિના તો ઇશ્વરની પણ કલ્પના થઇ શકતી નથી! જીસસ ખુલ્લે આમ કહે છેઃ ઇશ્વર પ્રેમ છે! કૃષ્‍ણ બોલતા નથી! પણ, રાધા સાથેનો મૃત્યુ પર્યતનો એમનો અનોખો, અનુઠો સંગ પ્રેમનો મહિમા ઉજાગર કરી જાય છે! જયારે શીવ, અર્ધ-નારીશ્વરની મનભાવન કલ્પના આપણી આંખ સામે રજુ કરી સાબિત કરી દીધું છેઃ પુરૂષમાં સ્ત્રી અને સ્ત્રીમાં પુરૂષ છુપાયો છે! પુરૂષમાં રહેલી સ્ત્રી બીજી સ્ત્રીને શોધે છે! અને સ્ત્રીમાં રહેલો પુરૂષ બીજા પુરૂષને શોધે છે! બંને એક બીજાને જીવનભર શોધતા શોધતા થાકે અને  થાકયા પછી જયાં વિસામા સાંપડે એને કહેવાય પ્રેમ!
કોઇ પણ વ્યક્તિ, વિશ્વાસ હોય છે એટલે તમારી જોડે બેસે છે! પણ ટકશે બહુ લાંબા સમય સુધી જો પ્રેમ હશે તો જ! વિશ્વાસ, સંવાદ સાધે છે. જયારે પ્રેમ એ સંવાદને જીવનનો ધબકાર બનાવી દે છે!  પ્રેમ નહીં હોય આપસમાં તો બે વ્યક્તિ વચ્ચે થતો સંવાદ મૌનના અંધકારમાં વિલીન થઇ જશે! પ્રેમ હશે તો અંધકારમાં પણ  થઇ જશે ઉજાસનો કરિશ્મો!
આશા, વિશ્વાસ  હોય છે એટલે સામેની વ્યક્તિ તમારી પાસે આવતી નથી! આશા અને વિશ્વાસમાં ત્રીજુ પરિમાણ પ્રેમનું ઊમેરાતાં જ એ દોડી આવે છે! પ્રેમ નહીં હોય તો આશા ઠગારી નીવડશે! અને વિશ્વાસનો શ્વાસ બેસી જશે! પ્રેમના ન દેખાય એવા અદ્રશ્ય હાથે આશા અને વિશ્વાસને અત્યાર સુધી સમાજમાં શ્વસતા રાખ્યાં છે! છતાંય પ્રેમનું નામ સાંભળી  પૌઢ થઇ ગયેલી એક આખી પેઢી ભડકતી રહે છે! શા માટે ? એમણે એમની કયારેક ન માંણેલી જવાનીમાં આશા અને વિશ્વાસના સહારે શું પ્રેમનો ઝંખ્યો ન હતો ? મળ્યો એ પણ કકળાટ કરે છે! નથી મળ્યો એ બમણાં જોરે પ્રેમને હદપાર કરી નાંખવાની વાત કરે છે! —પ્‍યાર કયારેય હદપાર થયો છે ખરો ? હદપાર થઇ ગયો પ્‍યાર, તો પછી જીવનમાં નહીં રહે આશા, નહીં રહે વિશ્વાસ! પછી જે રહેશે એ આબોહવાને સમાજ કહી શકીશું  ખરા ?
સવારે ઓફિસ જવા નીકળતી વ્યક્તિ  પુરૂષ યાં સ્ત્રી સાંજે ઘરે પાછી ફરે છે. ઘરે પાછા ફરવા માટે એની પાસે ગીતા-બાઇબલ યાં કુરાન પર હાથ મુકાવવો પડતો નથી! કયાંય ભાગી જવાની ઇચ્છા કોઇ પણ વ્યક્તિને કેમ થતી નથી ?  વર્ષો વરસ એ ઘરે જ કેમ પાછા ફરે છે ? આશા અને વિશ્વાસ હોય છે એટલે ? ના, આશા પર નિરાશા ફરી વળતાં વાર લાગતી નથી! વિશ્વાસ હોય ત્યાં વ્‍યક્તિને આસાનીથી છેતરી શકાય છે! પણ, પ્રેમ હોય ત્યાં… ? —ત્યાં પાછું ફરવું પડે છે!
સવારે ઘરેથી નીકળતી વ્યક્તિ તમારી પત્ની હોય કે પછી હોય પતિ, પણ.. સાંજે જો સમયસર ઘરે પાછા ફરે તો યકીનન માનજોઃ તમને એ બેહદ ચાહે છે! પ્રેમથી વધીને એમના માટે આ જગતમાં કશું જ મૂલ્યવાન નથી! અને એવું મૂલ્ય તમારા રૂપમાં એમણે જોયું છે એટલે આભાર માનજોઃ એમની ભીતર શ્વાસ ભરતાં પ્રેમનો!


વિચારો દિમાગનો ચારો છે. દિમાગ, વિચારોની આવન-જાવનની વચ્ચે ઘેરા થતાં, સતત ઘૂંટાતા વિચારોને ગ્રહણ કરે છે. અને પછી જે પરિણામ રજુ થાય છે એ વિચારજન્ય જ હોય છે! માટે જ અર્થહિન વિચારો… પણ, અર્થહિન કહેવાય એવા વિચાર કોને કહેવાય એ નક્કી કરશે કોણ ? નક્કી કરવાનું કામ ખુદે જ કરવું પડશે. ભૂખ લાગી છે તો જમવાની કાર્યવાહી પોતે જ કરવી પડે છે ને! બીજી વ્યક્તિ એ કામ કરી શકતી નથી! ગમે તેટલી અખૂટ લાગણી હોય તો પણ! એટલે જ લાગણીના પ્રવાહમાં તણાઇ જવાને બદલે સ્થિર રહી, શાંત ચિત્તે નજર સમક્ષ પસાર થતાં વિચારોને તપાસવા પડશે. જે કયારેય નિર્ણાયક ભાગ ભજવવાના નથી એવા વિચારોને દિમાગી દ્રારથી જ તિલાંજલી આપવાની છે. બાકી જે રહેશે એ જીવનને ઘડવામાં શિલ્પીનું કામ કરશે. અને પછી જે ઊભરશે એ નખનીશ બેનમૂન જીવન-શિલ્પ જ હશે એની શત-પ્રતિ-શત ખાત્રી છે મને.
મોટાભાગના કિસ્સાઓમાં ખરા સમયે ખોટા નિર્ણયો લેવાઇ ગયાનું પરિણામ રિબામણી જોવામાં આવે છે! જે સતત, જીવનભર ઓછાયાની જેમ જ સાથે રહે છે! એનાથી છુટકારો મેળવવા સર્જાય છે કોર્ટકેસો. ખટપટ. કયારેય કરવા ન ધારેલી મારામારી. ધૃત્કાર. નફરત. સહન ન થઇ શકે એવો અણગમો. પોતાની જ જાત પ્રત્યે ઉદ્દભવતી ઘૃણા. આ બધાથી બચવા માટે કયારેક વિના વિલંબ ત્વરિત નિર્ણય ટાળવો. આવનારી આફતથી બચી શકાય છે!
જીવનમાં કોઇ પરિસ્થિતિ એવી નથી હોતી કે જીવન-મરણનો પ્રસંગ બની જાય! માટે જયારે લાગે— જીવન-મરણનો પ્રસંગ છે ત્યારે ક્ષણિક થોભી, સર્જાયેલ પરિસ્થિતનો ક્યાસ કાઢી, હર એક વિકલ્પો ચકાસી, ચકાસ્યા પછી જેની ટકાવારી વધુ હોય એ વિકલ્પ પર ભાર દેવાથી જીવન, પીડાના બોજ તળે દબાતા અટકી શકે છે! કોઇ પણ પીડા સ્થાયી હોતી નથી! આપણે એને સ્થાયી બનાવવા મચી પડીએ છીએ!
પાંચ વ્યકતિના જીવનમાં સર્જાયેલ એક જ જાતનો અકસ્માત પાંચેય વ્યકિતને એક સરખો આઘાત આપે જ— એવું આપણે માની લેતા હોઇએ છીએ! અને એ રીતે જ પ્રતિક્રિયા આપીએ છીએ! જરૂરી નથી અને શકય પણ નથીઃ પાંચેય વ્યકિતને એક સરખો આઘાત લાગે! આઘાતની માત્રા સમય, સંજોગો, પરિસ્‍થિતિની તરલતા કરતાં વિચારો દ્રારા સ્પષ્‍ટ થતી નક્કર ક્રિયા પર આધાર રાખે છે! એક વ્યકિતને એક ગ્લાસ અડધો ખાલી દેખાય છે! બીજી વ્યકિતને એ જ ગ્લાસ અડધો ભરેલો દેખાય છે! પહેલી વ્યકિતને થતાં આઘાતની અસર નકારાત્મક જ થવાની! —એનો ગ્લાસ અડધો ખાલી છે ને! બીજી વ્યકિતને થતી આધાતની અસરમાં હકારાત્મક પાસું ઉમેરાતા એ જલ્દી એમાંથી બહાર આવી જશે! —એનો ગ્લાસ અડધો ભરેલો છે ને!
વિચારથી ઘડાતો માણસ માણસાઇના દિવા પ્રગટાવે એવું જોવામાં આવે છે. વિચારની ઘડાતો માણસ માણસાઇને મસાણ સુધી પહોંચાડે એવું પણ જોવામાં આવે છે! ફરક માણસમાં નથી. ફરક છેઃ વિચારો દ્રારા થતા  દબાણથી થઇ જતા કૃત્યમાં
-હાલ તો મારો જીવન-ગ્લાસ અડધો ભરેલો છે. તમારો ?

 

Authors

Topics

Blog Stats

  • 12,862 hits
વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણે સદાકાળ ટકી રહે છે; પરંતુ તે સર્વમાં પ્રેમ શ્રેષ્‍ઠ છે.

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 9 other followers

kshitij7.wordpress.com
72/100

ગુજરાતીસંસાર લોગો
એક નવું ગરવા ગુજરાતીઓનું ગૃપ,સંપુર્ણ ગુજરાતીમાં એક ફોરમ કોમ્યુનિટી સ્વરૂપે જોડાવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતી બ્લોગપીડિયા

Follow

Get every new post delivered to your Inbox.