બાપુજીઃ જીદને જીવન મંત્ર બનાવી જીવી જનાર! 21.6.1918 ના રોજ પિતાજીનો જન્મ. હયાત હોત તો… 
જીવન જીવવાની પધ્ધતિ અનોખી હતી એમની. જીવનમાં એ ક્યારેય કોઈને નડ્યા ન હતા. નડ્યા એમને મૃત્યુ સુધી માફ ન કર્યા. હરખ-શોક બાજુ એ રાખી સ્વસ્થ રહ્યા. 93 વર્ષનું આયુષ્ય માંણી ગયા. એમનું જીવન સૂત્ર હતુંઃ બળી ગયું, ઢળી ગયું, મરી ગયું…. ક્યારેય અફસોસ ન કરવો. સાચ્ચે જ કોઈ પણ વાત પર એમણે અફસોસ વ્યક્ત કર્યો ન હતો. મા ના મૃત્યુ વખતે પણ સંપૂર્ણ સ્વસ્થ હતા પિતાજી. સાંજે એમણે ધરાઈને ખાધું હતું. મને ગળે કોળિયો ઊતર્યો ન હતો. 

જીવન પાણી જેવું ગતિશીલ છે. એણે વહેવું જોઈએ. જો ન વહે તો ગંધાઈ જાય. એમનું જીવન સુંગધમય રહ્યું. કયારેય વઢયા હોય, ખીજાયા હોય, થપ્પડ મારી હોય… યાદ નથી. ઘર કેમ ચાલે છે તેની ખબર હું 25 વર્ષનો થયો, નોકરીએ લાગ્યો ત્યાં સુધી ન પડી. 

આજે 21 જૂન! વિશ્વ યોગ દિવસ. એમનો જન્મ પણ આજના દિવસે. મારા પિતાજીનુ જીવન યોગથી કમ ન હતું. કોઈ પણ સ્થિતિમાં સ્વસ્થ રહી કડક નિર્ણય લેવાની એમની કોઠા સૂઝ ગજબની હતી. 

સગી બહેન સાથે વાંધો પડ્યો. આજીવન સબંધ કટ. દુરની બહેન સાથે લાગણી ભીનો સબંધ રહ્યો. બહેન જીવી ત્યાં સુધી નિભાવ્યો. 

 મામા સાથે એમને કોઈક વાતે બગડયું. સબંધ કટ. ન એ જીવનભર ગયા. ન મા ને જવા દીધી. મા મરી ગઈ ત્યારે મામા આવ્યા હતા. મૃત મા અને જીવીત મામાનું રૂદન. કાશ! મા જીવતી હતી ત્યારે મામા આવ્યા હોત તો? મા રાજીના રેડ થઇ ગઇ હોત. ભાઇ સાથેનો લગાવ મા ને અનોખી બનાવતો હતો. ભાઈ-બહેન વચ્ચેનો પ્યાર અદ્દભૂત. સમયથી પર. બાપુજીના હુકમને માન આપી મા એ ભાઈ-બહેનના સબંધ પર પૂર્ણવિરામ મૂક્યું. મા, મામાને જીવનપર્યત મળવા ન ગઇ તે ન જ ગઇ. 

જીદ જીવનનો હિસ્સો બને ત્યારે સબંધો હોમાઇ જાય એ મેં સગી આંખે જોયું છે! મા ગઇ. મામા ગયા. બાપુજી ગયા. રહી ગયાઃ માની લીધેલા ઠાલા મૂલ્યો. માફ કરવાની, માફી માંગવાની પહેલ બંને પક્ષે થઈ હોત તો સબંધ દિપી ઊઠત.

કડવો સ્વાદ જીભને પસંદ નથી. તરત જીભ થૂ થૂ કરી નાંખે છે. તેમ છતાં આપણે જીભને કાપી નાંખતા નથી. સાકર ખાઇને જીભને ગળી કરીએ છીએ. તો પછી કડવાશ વ્યાપી ગયેલા સંબંધોને શા માટે કાપી નાંખીએ છીએ? સાકર ખાઈને શા માટે ગળ્યા બનાવતા નથી? 

સમય-ચક પરથી પસાર થવાનું હોય ત્યારે કડવાશને ગળે ન લગાળાય. ફ્ક્ત રાજ કપૂરની જેમ કહેવાયઃ ના તુમ હારે  ન હમ હારે! તુમ્હારી ભી જય-જય…. હમારી ભી જય-જય! 

જય હો…….. 

રોગ!


rj2-55c2fc01c0195_l

“પ્રેમ રોગ” નામનું મૂવી આર. કે. બેનર્સ  હેઠળ રાજકપૂરે વર્ષો પહેલાં સર્જયું  હતું. જેમાં વિધવાના પુનઃવિવાહની, પ્રેમ કહાનીની વાત સુપેરે મઢી હતી. વિઘવા પુનઃલગ્ન કરે એનો સામાજિક વિરોધ ત્યારે ચરમસીમાએ હતો. પણ, વિવાહ થઈ ગયા પછી મનમેળ ન થનાર પત્નીથી છુટકારો મેળવવા અદાલતના દ્વાર ખટખટાવ્યા પછી પણ છુટકારો મળતો નથી!

અદાલતની  સખ્ત ચેતવણીઃ “સાથે રહો….” ની જીદે હસતાં રમતાં એકત્રીસ વર્ષના છોકરાને બેંતાળીસ વર્ષનો ધીરગંભીર પુરૂષ બનાવી જીંદગી નર્કથી બદતર બનાવી દીધી છે. 

ન તો એ જીવી શકે છે! ન તો એ મરી શકે છે! આખરે ભાવનાઓની કશ્મકશમાં મનોરોગી બનીને રહી ગઈ છે એ વ્યક્તિ! જે સગા ભાઈ સાથે “દયા મૃત્યુ” ની વાત ધુસ્કે ધુસ્કે રડતાં કરે છેઃ ભાઈ… મારે મરી જવું છે! મને મારો… મારી જીંદગીમાં ન તો રસ છે, ન તો કસ! આવી સ્વાદહિન જીંદગીને ખેંચવાનો કોઈ મતલબ નથી! જીંદગી દોઝખ છે! મૃત્યુ સ્વર્ગ! મુક્તિ… મુક્તિ… મુક્તિ…. મને મુક્તિ આપો… 

ભીતરથી હલબલી જવાય એવી પીડામાંથી પસાર થનાર એ વ્યક્તિ મારી બહુ જ કરીબી રિશ્તેદાર છે. 

અગિયાર-અગિયાર વર્ષથી અદાલતની સામે મીટ માંડીને બેઠો છે એઃ ક્યારેક તો મારી તરફેણમાં ચુકાદો આવશે! પણ, ના. અદાલત એની એ જ છે. જજ બદલાયા કરે છે! અને ચુકાદો? -હમેશાં વિરુધ્ધમાં શા માટે હોય છે… સમજાતું નથી એને. જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા એને ન તો છુટુ થવું છે, ન તો સંસાર ભોગવવો છે! બસ, હું તો તૈયાર જ છું… મારા પતિના ઘરે જવા! -પત્થરની લકીર જેવા આ વાક્ય સિવાય આ સ્ત્રી એ અગિયાર વર્ષ ન તો બીજું કોઈ સુખ આપ્યું. ન તો સુખની ઝંખના જગાવી છે!

-અદાલતમાં ન્યાય નહીં જ મળે… એવું માની લીધું છે એણે! અદાલતની થતી કાર્યવાહીમાં શટલકોકની જેમ ફંગોળાતો રહે છે એ! હાલમાં મનોચિકિત્સક પાસે સારવાર ચાલી રહી છે. સારો થઈ જશે એવી આશા એટલા માટે રખાય કે એ ખુદ મનોચિકિત્સક પાસે ગયો છે. 

પ્રાર્થના કરીએ કેઃ જલ્દીથી એની મનોદશા સામાન્ય થાય. ન ગમતાં, પોતાની જાતને ગોઠવી ન શકાય એવા કદી ન બંધાયેલા સબંધ માંથી છુટકારો મળે! 


જીંદગીની થકવી નાંખતી રફતાર!


m

ચોક્કસ ઉીંમર પછી રોજગાર ન મળે કે ન થાય આવક તો, મનને કુંઠિત થતાં વાર લાગતી નથી! પછી જે મળે અને જેટલું મળે એમાં જ ભલાઇ! -એવું દ્દઢ પણે માની લેવાની બિમારી ઘર કરી જાય છે! જે કેમેય કરી પીછો છોડતી નથી!

જીવન જીવવાની ગળાકાપ સ્પર્ધામાં હુકમનો એક્કો પૈસા સિવાય કોઇ જ ન હોઇ શકે એવી હાલત કથળતાં જતાં સામાજિક સબંધોએ કરી દીધી છે! પૈસાનો અભાવ ભીતરની અસિમિત આંકાક્ષાઓ, અરમાનોને ભરખી જાય છે! એની ખબર પડે ત્યારે તો “અભાવ” ની આદત પડી ગઇ હોય છે!

મારી જ ઓફિસમાં “ફિક્સ” પગારથી ભરતી થયેલ, થનગનતાં યુવાન છોકરાને સહજતાથી પૂછાય જાય છેઃ “ભરપૂર સુખમય જીવન જીવવા માટે શું જોઇએ ?”

એનો જવાબઃ “સરકારી નોકરી અને વીસ હજારની સેલરી કાફી છે મારા માટે! એથી વધુ કશું જ જોઇતું નથી!”

“કશું જ જોઇતું નથી!” માં હારી ગયેલા યુવાનની ભીતરી વ્યથા, નિરાશા બની વ્યક્ત થઇ!

હું વિચારી રહ્યોઃ વીસ હજારમાં એકલા આસાનીથી આ સ્પર્ધાત્મક  યુગમાં જીવી શકાય! પરણેતર સાથે તો વીસ લાખ પણ ઓછા પડે… જીવવા માટે!

આવકના અભાવમાં સ્વપ્નોને દફન કરવાના પછી! સુપર માર્કેટમાં ખરીદી કરતી વખતે “પ્રાઇઝ ટેગ” જોવાની! પસંદ પડેલ દસમાંથી નવ ચીજોને છોડી દેવાની! તનાવને ઘરમાં આમંત્રણ આપવાનું!  ખુશીઓને દરવાજા બહાર જ ઉીભી રાખવાની! -એ ઘરમાં આવી જાય તો ખર્ચાળ સાબિત થાય એવો એનો સ્વભાવ છે!

કંકાસ, કલહ પછી, કલરવને ગુંજવા નહીં દે ઘરમાં!  આખરે તૂટતા-તૂટતા લેવાતા મૂકાતા શ્વાસો વચ્ચે પસાર થતી જીંદગીની થકવી નાંખતી રફતારને જોયા કરવાની! -બસ જોયા જ કરવાની….

રંભા-મેનકા-ઉર્વશીની ઉથાપી ન શકાય એવી કશીશનો જીવન અર્ક છે તું!


.facebook_1637481756ડગલે અને પગલે ભોગવવી પડતી યાતના, જો તું ન હોય તો સહન જ ન થાય! જુઠની બુનિયાદ પર રચાયેલા સંસારમાં તું મધ-મીઠ્ઠો  કંસાર છે! તું ન હોય તો પછી બચે એને જીવન ન કહેવાય! એ તો બની જાય અણધારી કયારેક ખત્મ ન થનારી આફત!

તારા ચહેરા પર રમતું સ્મિત જીવનની રમતમાં મને અગ્રેસર રાખે છે. સ્ફટીક-શી તારી આંખોમાંથી સતત, અવિરત વહેતું વિસ્મય ઇશ્વર હોવાનો અહેસાસ કરાવે છે મને! તારી સમીપ રહેવાનો એક પણ મોકો મારા માટે બની જાય છેઃ અવસર! તારા પગલાંની આહટ હું જીવતો છું એનો અહેસાસ કરાવે છે મને! તું છે તો હું છું! નહીં તો જડ શરીર સિવાય બીજુ શું છું હું ?

મારી ભીતર ધબકાર ભરે છે તારૂં સામીપ્ય! તું ન હોય મારી આજુ-બાજુ…. એ કલ્પના પણ નર્કનો યાતનામયી અહેસાસ કરાવે છે મને! સ્વર્ગનો સમાનાર્થી શબ્દ એટલે તું! તું મારા શ્વાસની સુગંધ છે! તું મારા થાકી ગયેલા પગનો વિસામો છે! તું મારા જીવતરના ફેરાની આખરી મંઝિલ છે! તું જીવન ચક્રના ફેરામાંથી મુક્તિ આપતો મોક્ષ છે! તું છે તો છે સઘળું છે! નહીં તો સનાતન અંધકાર!

તું મને છોડીને નહીં જાય ને ? -ડર લાગ્યા કરે છે મને! કારણમાં એટલું જ કેઃ રંભા-મેનકા-ઉર્વશીની ઉથાપી ન શકાય એવી કશીશનો જીવન અર્ક છે તું! સાચ્ચે જ…. તને પામીને ધન્ય થઇ ગયો છું હું!

નાટક! 


જીવનભર, બે વ્યક્તિઓ વચ્ચે પસાર થતો સમય લાંબા અરસા સુધી ટકી જાય એ માટે એક બીજાને ચાહવાનું, એક બીજાથી સુખી હોવાનુ સફળ નાટક જીંદગીના રંગમંચ પર ભજવતા રહેવું પડે છે! આ નાટકનો અંત મૃત્યુ પછી જ આવે છે! મૃત્યુ આવી જાય ત્યાં સુધી પ્રસંગોપાત બદલતા રહેતા મુખોટા જીવન-નાટકનો પ્રમુખ હિસ્સો! પ્રમાણિકતાથી પોતાના હિસ્સામાં આવેલ પાત્રને બખૂબી નિભાવવાની કળામાં હથોટી આવી જાય છે પછી!

સચ્ચાઈ શુભ હોવા છતાં સબંધનો અંત લાવે છે! જ્યારે જુઠનો તિરસ્કાર થતો હોવા છતાં, સંબંધમાં મધુરતા લાવે છે જુઠ! -એ હકીકત નકારી શકાતી નથી! જુઠ પર સબંધ રચાઈ છે, ચણાઇ છે! પાકા ચણતર પછી જુઠ એમાં આરામથી રહે છે!

સચ્ચાઇના પાયા પર ચણતર શક્ય નથી! કડવાશ, ઘૃણા, નફરત…. સચ્ચાઈ સાથે લઈને ફરે છે!

જુઠનો જાકારો શક્ય નથી! અને સચ્ચાઈ ને સ્થાપિત હક્ક આપી શકાય એમ નથી!!!

તું એક ફૂલ ગુલાબી સ્વપ્ન છે! 


તું એક ફૂલ ગુલાબી સ્વપ્ન છે! ઝંખના ઓના વમળ માંથી લાધેલું પુષ્પ એટલે તું! તારા ચહેરાની સ્નિગ્ધ ત્વચાની ભીતર સંચાર થતો રક્ત પ્રવાહ તારા ચહેરાની બેનમૂનતા પર હરખાય છે! લાલ ચટક હોઠ પરથી સરતા શબ્દો પછી,  હોઠની મુલાયમ સપાટી પર થતું કંપન તને અનોખી બનાવે છે! સાચે જ… તારા હોઠને ચૂમવાની તીવ્રેચ્છા ને રોકવા માટે શરીરની પૂરી ઉર્જાને ખર્ચવી પડે છે મારે!

કુદરતનું બેનમૂન નજરાણું છે તું! ચાહતનો ચોંકાવી નાંખે એવો વેગીલો જુવાળ છે તું! ટમટમતા તારાઓના સમૂહનો ઉજાસ છે તું! પૂનમના ચાંદનો શીતળ સ્પર્શ છે તું! સૂર્યોદયના વિખરાતા રંગોની મનભાવન રંગોળી છે તું!

તું છે તો છે જગતમાં જન્નત! તું નથી તો છેઃ જહન્નમનો અવિનાશી, દર્દીલો અનુભવ!

નહી તો પછી જન્મોના ફેરા છે જ ને! 


વૈવિધ્ય છે રંગોમાં! લાલ રંગ આકર્ષે છે. પ્રેમની અનુભૂતિ કરાવે છે! સફેદ રંગ ભીતરની શાંતિને બ્યાન કરે છે! પીળો રંગ દોસ્તીના દરવાજા ખોલે છે! કાળો રંગ ગાઢ થતી જતી ઉદાસીને ઊભારે છે!

ઉદાસી અને ઉલ્લાસ વચ્ચે હોય છેઃ સમય ચક્ર પર ઉદ્દભવતી પાતળી ભેદ રેખા! તમારા હક્કમાં કશુંક છે તો છે ઉલ્લાસ! નથી તો પછી રહી જાયઃ ઉદાસી!

મનને ગમે છે હમેશાં ખુબસૂરતી! પછી એ હોય કુદરતના બેનમૂન રંગોની કે પછી નજર સમક્ષ આવી જતી મનભાવન વ્યક્તિની છબી! આકાર વગરના રંગો અને આકારિત વ્યક્તિનું મધુર સ્મિત! -મન માટે બંને સરખા!

મન ગમતી વ્યક્તિનું સાન્ધિય ઈશ્વરના સાક્ષાત્કાર થી કમ નથી! એ મળે તો મોક્ષ હાથ વેંતમાં! નહી તો પછી જન્મોના ફેરા તો છે જ ને!!!